મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પોતાનું અંતિમ બજેટ રજૂ કર્યું, જેમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઈન્કમ ટેક્ષમાં છૂટ, ટેક્સમાં ઘટાડો, પેંશન, પ્રોવિડેંટ ફંડ અને ઈન્સ્યોરંસ વગેરેની લઈને મહત્વની જાહેરાત કરી છે. ત્યારે આ બજેટને લઇને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ આ બજેટને લઇને કહ્યું કે, સરકારે ૧૧ લાખ કરોડનું દેવું હોવાનું સ્વીકાર્યું છે, એટલું જ નહીં પરંતુ ૬ હજારની સહાય આપવાની વાત કરીને સરકારે ખેડૂતોની મજાક કરી છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખે વધુમાં કહ્યું કે, “જુમલા સરકારનું આ છેલ્લુ બજેટ રજૂ થયું છે. મોદી સરકારે ખેડૂતોનાં ગાલ પર તમાચો માર્યો છે. સરાકરે ખેડૂતોનાં દેવા માફ કરવાની વાત કરી હોત તો સારુ થાત. યુવાનોને રોજગારી માટે પકોડા તળવા સિવાય બીજુ કંઇ બાકી નથી રહ્યું. મોદી સરકારે જનતાની ૧૯ લાખ કરોડ રકમ લૂંટી છે.” તેમણે આ સરકારને સૌથી વધુ બેરોજગારી વધારનારી સરકાર ગણાવી છે. અમિત ચાવડાએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારીને જનતાને સરકારે લૂંટી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં આર્થિક અસમાનતા વધી છે અને ૧૦ ટકા આર્થિક અનામતમાં આવક મર્યાદા ૮ લાખ રાખી છે અને બીજી બાજુ સ્લેબ ૫ લાખ સુધીનો ટેક્સ બેનિફિટ આપે છે. ચૂંટણીમાં હાર દેખાતા સરકારે ટેક્સનાં રૂપિયા જુમલામાં આપ્યા છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે કેન્દ્ર સરકારે મધ્યમવર્ગ સાથે મજાક કરી છે. ચાવડાએ બજેટને ૧૦માંથી ૦ માર્ક્સ આપ્યા છે.