નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે એમની સરકારે આજે સંસદમાં રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ તો માત્ર એક ટ્રેલર છે. આ બજેટ દેશને લોકસભાની ચૂંટણી બાદ સમૃદ્ધિ તરફ દોરી જશે. આ બજેટ સમાજના તમામ વર્ગોનાં લોકોને લાભદાયી છે, એમ પણ તેમણે કહ્યું. વચગાળાનાં બજેટ વિશે પોતાનાં પ્રત્યાઘાત આપતાં મોદીએ કહ્યું કે આ બજેટ લોકોનું સશક્તિકરણ કરશે. ૧૨ કરોડથી વધુ કિસાનો, ત્રણ કરોડ જેટલા મધ્યમ વર્ગનાં પરિવારો તથા અસંગઠિત ક્ષેત્રના ૩૦-૪૦ કરોડ જેટલા કામદારોને બજેટથી લાભ થશે. પોતાની સરકારનાં પ્રયાસોને લીધે ગરીબીનો દર રેકોર્ડ દરે નીચે ઉતરી રહ્યો છે. મોદીએ કહ્યું કે આ બજેટ ૧૩૦ કરોડ નાગરિકોનાં પ્રયાસોને પ્રોત્સાહિત કરશે અને નવા ભારતનું નિર્માણ કરવાનાં લક્ષ્યને સિદ્ધ કરશે. મોદીએ એવો આનંદ વ્યક્ત કર્યો છે કે વધુ લોકોને ગરીબીનાં સકંજામાંથી મુક્ત કરાવી શકાયાં છે. વચગાળાનું બજેટ તો એક ટ્રેલર છે, જે લોકસભાની ચૂંટણી બાદ દેશને સમૃદ્ધિ તરફ દોરી જશે.