નવીદિલ્હી : લોકસભાની ચૂંટણી પહેલા પોતાના અંતિમ બજેટમાં મોદી સરકારે ગરીબ કામદારોને મોટી ભેટ આપી છે. નાણાંમંત્રી પીયૂષ ગોયલે બજેટ ૨૦૧૯માં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે મેગા પેંશન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત ૨૯ વર્ષની ઉંમરથી કામદારે ૬૦ વર્ષની ઉંમર સુધી ૧૦૦ રૂપિયા દર મહિને આપવા પડશે. ૬૦ વર્ષની ઉંમર બાદ દર મહિને ૩૦૦૦ હજાર રૂપિયાનું પેંશન મળતુ થઈ જશે. આ ઉપરાંત અસંગઠીત ક્ષેત્રના ૧૦ કરોડ કામદારોને નિવૃત્તિ બાદ એક ન્યૂનતમ પેંશનની ગેરેંટી આપવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના અંતર્ગત ૧૫ હજાર રૂપિયાથી ઓછા કમાનારા ૧૦ કરોડ શ્રમિકોને લાભ મળશે. આ યોજના અંતર્ગત દર મહિને ૫૫ રૂપિયા જમા કરાવવાના રહેશે. યોજનાનો લાભ રીક્ષા ચાલક, કરો વિણનારાને પણ મળશે. પેંશન યોજના માટે શરૂઆતમાં ૫૦૦ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પેંશન યોજનાની શરૂઆત આ વર્ષથી જ અમલી બનશે. આ સ્કીમનો લાભ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા એવા મજુરોને મળશે જેમની માસિક આવક ૧૫ હજાર રૂપિયાથી ઓછી છે. આ યોજનનો લાભ અસંગઠીત ક્ષેત્રમાં સૌથી નબળા ૨૫ ટકા લોકો માટે એક ફાઈનાંસિલ સિક્યોરિટી સ્કીમ અંતર્ગત મળશે. સરકારના આ પગલાથી ઘરઆંગણે નોકરીઓ, ડ્રાઈવરો, પ્લંબર, વિજળીનું કામ કરનારા કામદારોને લાભ થઈ શકે છે. જે આ સ્કીમ અંતર્ગત ૧૫ હજારથી પણ ઓછા કમાય છે. લોકસભામાં વર્ષ ૨૦૧૯-૨૦નું અંતરિમ બજેટ રજુ કરતા ગોયલે જણાવ્યું હતું કે, આ યોજનાથી ૧૦ કરોડ કામગારોને લાભ થશે અને આગામી પાંચ વર્ષમાં અસંગઠીત ક્ષેત્ર માટે વિશ્વની સૌથી મોટી પેંશન યોજના બની શકે છે. ભારતમાં લગભગ ૫૦ કરોડની વર્કફોર્સ છે, જેમાંથી ૯૦ ટકા ભાગ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કામદારોને સામાન્ય રીતે સરકારો તરફથી નક્કી કરવામાં આવેલુ ન્યૂનતમ વેતન પણ નહોતુ મળતું કે નાતો પેંશન અને હેલ્થ ઈન્સ્યોરંસ જેવી કોઈ સોશિયલ સિક્યોરિટી નહોતી મળતી.