ખોરાકની શોધમાં દિપડો જેસોર અભ્યારણ્યના જંગલમાંથી રાણોલ ગામના એક ખેતરમાં ઘુસી આવ્યો હતો. જોકે દિપડો આવતા એક વ્યક્તિએ આજુબાજુના લોકો અને ગામના લોકોને જાણ કરી હતી. જેના લીધે થોડી વારમાં લોકોના ટોળેટોળા દીપડો જોવા ઉમટી પડયા હતા. ગામના લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ અધિકારીઓ અને દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગે આવીને દિપડાને પકડવા રેસ્ક્યુ ટીમ બોલાવી ખેતરમાં ઉભા પાકમાં સંતાડેલ દીપડાને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
દાંતીવાડા તાલુકામાં જેસોર અભ્યારણ્યમાંથી અનેકવાર જંગલી પ્રાણીઓ આજુબાજુના વિસ્તારમાં આવેલા રહેણાંકના મકાનોમાં આવી જાય છે. જેના કારણે લોકો ભયભીત થતા હોય છે. લોકોના જણાવ્યા અનુસાર રાત્રીના સમયમાં રીંછ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓ ગામોમાં અને આજુબાજુના ખેતરોમાં આવી જાય છે. જેના કારણે તેઓ ખોરાક માટે પાલતુ જાનવરોને પણ શિકાર બનાવે છે. તો બાબતે જવાબદાર તંત્રે જંગલી પ્રાણીઓની યોગ્ય તકેદારી રાખી માનવવસ્તીમાં આવતા રોકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.