આશાબેન પટેલે કોંગ્રેસ અને ધારાસભ્યના પદપરથી રાજીનામુ આપ્યું છે. આશાબેનના રાજીનામા બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આશાબેન પટેલના રાજીનામાનો વિવાદ હવે દિલ્હીમાં પહોંચ્યો છે. આ મામલે તમામ આરોપ પ્રદેશ મહામંત્રી કિર્તિસિંહ ઝાલા પર લાગ્યા છે.
આ મામલે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ દિલ્હીમાં રજૂઆત કરવા માટે જશે. લાલજીભાઈ દેસાઈના માધ્યમથી મહેસાણા જિલ્લાના નેતાઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ રાહુલ ગાંધીને વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવશે.
ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતુ. જેને લઈને તેઓનું ભાજપમાં જોડાવા સહિતની અનેક અટકળો વહેતી થઈ હતી. ત્યારે મળતી માહિતી મુજબ દિનેશ પટેલને ઊંઝા એપીએમસીના ચેરમેન બનાવવા આશા પટેલે રાજીનામું ધર્યુ હોવાની વાત સામે આવી છે. બિલ્ડર દિનેશ પટેલે આશાબેનને એમએલએ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દિનેશ પટેલ ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના વેવાઈ છે અને તેઓ ઊંઝા એપીએમસીના ચેરમેન બનવા માંગે છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાતના રાજકારણનો પાયો જ ઊંઝા એપીએમસી ગણાય છે અને આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલનો રાજકીય દબદબો રહ્યો છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના ગઢ ગણાતા મહેસાણાના ઉંઝામાંથી ભાજપના નારણભાઈ પટેલ સામે કોંગ્રેસે ડૉકટર આશાબહેનને મેદાને ઉતાર્યા હતા. અને તેઓની જીત થઈ હતી. જોકે, હવે પાર્ટીમાં તેમની અવગણના થતી હોવાનુ સુત્રો કહી રહ્યા છે. અને તેઓ ભાજપનો ખેસ ધારણ કરે તેવી પણ શક્યતા છે. મહેસાણામાં ભાજપ પાસે સક્ષમ ઉમેદવાર નથી. હાલમાં જયશ્રીબેનને ભાજપ ઘરભેગા કરે તેવી પૂરી સંભાવના છે. પાસનું આંદોલન મહેસાણામાં આજે પણ સક્રિય છે. પાસના સમર્થક એવા જયશ્રીબેનને ટીકિટ આપી ભાજપ મહેસાણા બેઠક કબજે કરવા માગતી હોવાના રાજકીય સૂત્રો જણાવી રહ્યાં છે. મહેસાણાએ નીતિનભાઈનો ગઠ હોવા છતાં તેઓ પણ માંડ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. મહેસાણા લોકસભા બેઠક હારે તેવી સંભાવના વચ્ચે ભાજપે આ માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાનું કહેવાય છે. જો આશાબેન ભાજપમાં જોડાશે તો તેઓ લોકસભાના ઉમેદવાર હશે એ નક્કી છે.