પ્રજ્ઞાલોક અટલે કે – ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓ આજે બની-ઠની સોનગઢ પાસે આવેલી કૈલાસ ટેકરી આવી પહોંચે છે. એક પછી એક એમ ત્રણ બસમાંથી વિદ્યાર્થીઓ ઉતરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના સ્વાગત માટે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ખરા અર્થમાં આજે શ્રી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓનું આ બહુમાન થઈ રહ્યું હતું. જૈન સમાજ જેનું નામ લેતા ધરાય નહિ તેવા પ્રખર વિદ્વાન સરળસ્વભાવી પ. પૂ. આચાર્યદેવશ્રી પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ચકાચક)ની નિશ્રામાં છ’ રિ. પાલિત સંઘના ભક્તજનો આજે ભાવુક બની નાચી રહ્યા હતા. તૈયાર કરેલા મોટા શમિયાણામાં જમીન પર બિછાવેલાં સંથારાના પાગરણે જૈન સમાજના અગ્રણી મહાનુભાવો હાજર હતા.
આચાર્યદેવશ્રી પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબે પ્રેરક ઉદ્બોધન કરતાં જણાવ્યું કે-‘પ્રત્યેક વ્યક્તિનો ધર્મ અન્યના કલ્યાણનો હોવો જોઈએ. આજે આપણી વચ્ચે ભાવનગરની અને દેશની પણ ખૂબ જાણીતી એવી ભાવનગરના ભૂપ, પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રેરણા અને તેમના વડપણ નીચે વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવેલી શાળામાં અભ્યાસ કરતાં બાળકો આજે આપણી વચ્ચે આવ્યા છે. આ બાળકો આપણને ભલે જોઈ શકતાં નથી, તેમ છતાં તેઓ આપણી વચ્ચે આવ્યાં છે. કારણ તેઓ જાણે છે કે – આપણા હૃદયમાં બિરાજમાન ઇશ્વર તો તેમને જુએ જ છે. ખરેખર આપણે છતી આંખે જે જોઈ શકતાં નથી, તે આ લોકો જુએ છે. અન્યના કલ્યાણ માટે જે વિચારી શકે છે, તેનો આત્મા મહાન છે. આવાં લોકોનો આત્મા મોક્ષ માટેના માર્ગે પોતાની જીવનયાત્રા આગળ ધપાવી શકે છે.’
વળી, જેઓ ચર્મચક્ષુ વડે દુનિયાના પ્રપંચ જોતાં નથી તેમજ ઇશ્વરની બનાવેલી દુનિયામાં પોતાનું જીવન અનેક સંઘર્ષો સાથે ઉત્સાહપૂર્વક જીવી લેવા મથતાં રહે છે, તેવાં પ્રત્યેક આત્માઓ પ્રભુની કૃપા પામે છે. આપણે પણ આ માર્ગના મુસાફર બની પરમકૃપાળુ પરમાત્માનો આશીર્વાદ લેવો જ હોય તો પ્રજ્ઞાલોકના પ્રજ્ઞાચક્ષુ બાળકોનાં યજ્ઞમાં પોતાની પવિત્ર લક્ષ્મીનું દાન આપી જોડાઈએ, ‘એ જ ખરી માનવતાનો સંદેશ છે.’ હું માનું છું કે – આપ સૌ તેમજ કરશો. મહારાજ સાહેબના પ્રેરક શબ્દોના અજવાળે સૌ કોઈના હૃદયમાં જ્ઞાનના પ્રકાશ વડે આત્મનિરીક્ષણની શક્તિનો જાણે સંચાર થયો હોય તેમ એક પછી એક મહાનુભાવો પ્રજ્ઞાલોકના બાળકોના વિકાસ માટે દાન નોંધાવવા લાગ્યા. જોકે આનો યશ યજમાન પરિવારના નિમેષભાઈને પણ આપવો ઘટે. આમાં માતા વસનબેન અને પિતા હર્ષદભાઈના સંસ્કાર કારણરૂપ ગણી શકાય. સંઘમાં જોડાયેલ ભક્તજનો, આમંત્રિત મહેમાનશ્રીઓનો જે સહકાર આ પાવન કાર્યમાં સંસ્થાને સાંપડ્યો હતો તેના ખરા યશભાગી તો ખરેખર કરુણાના ભંડાર ભાવનગર જિલ્લાનાં મૂળ દેવગાણાના વતની એવાં મુંબઈમાં સ્થાયી થયેલાં કીર્તિભાઈને જાય છે. કીર્તિભાઈ શાહ છ’ રિ. પાલિત સંઘના યજમાન હર્ષદભાઈના ખૂબ જ નિકટના સંબંધી શ્રી ચિરાગભાઈના પરિચયમાં હતા. તેમને સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી. ચોથા પડાવ મુકામે શાળાના તમામ બાળકોને બોલાવા કહ્યું હતું. જેના પરિણામે આજે પ્રજ્ઞાલોકના બાળકો પરમ પૂજ્ય મહારાજ સાહેબનાં દર્શનનો લાભ પામી ધન્ય થયા હતા. ‘ઊંચા અંબરેથી’, ‘ઓ પાલનહારે-સંઘ ગીત’, ‘હવે તારા નહીં ટમટમે’ જેવા હૃદયસ્પર્શી ગીતો બાળકોએ રજૂ કરી સૌ-કોઈના દિલ જીતી લીધાં હતાં. સંગીતના છેડાતાં સૂરોથી વાતાવરણ ભારે આહલાદક બન્યું હતું. શ્રી પ્રબોધચંદ્રસૂરિના ભાવનાત્મક ઉદ્બોધનથી સભામાં સૌ ભાવવિભોર થયાં હતાં. પરંતું ચોવિહારનો સમય થતાં કાર્યક્રમ રોકવો અનિવાર્ય હતો.
મુંબઈમાં સ્થાયી થયેલા એવા સેવાનો મંત્ર ધારણ કરનાર કીર્તિભાઈનાં જ સરાહનીય પ્રયત્નોથી વધુ એક કાર્યક્રમમાં જવાની અમોને તક સાંપડી હતી. તેની જાણકારી આપું તો, તા.૨૫/૦૧/૨૦૧૯ નાં રોજ અમદાવાદથી ઉપડનારી સૂર્યનગરી ટ્રેનમાં અમારે સૌને જવાનું હતું. આમ તો, કીર્તિભાઈ એવું વ્યક્તિત્વ છે જેનું શબ્દચિત્ર આલેખવું ખુબ જ કઠિન છે. તેમ છતાં તેનું શબ્દચિત્ર ઘસાયેલી પીંછી વડે ખેંચવા પ્રયત્ન કરીશ. બાળકોને લઇ અમે સૌ લગભગ સાંજના ૬.૦૦ કલાક પહેલા અમદાવાદ પહોચી ગયા હશું. શ્રી કીર્તિભાઈએ અમારા સૌ માટે હેવી નાસ્તાનો અગાઊથી પ્રબંધ ગોઠવી રાખ્યો હતો. ટ્રેન અમદાવાદથી જેવી ઉપડી કે થોડીવારમાં જ બધાં બાળકો અને અમારા સૌ માટે સીતાફળનું શેક આવ્યું અને આ રીતે જેમ-જેમ ટ્રેન આગળ વધતી ગઈ, તેમ-તેમ ખાણી-પીણી ચાલતી રહી. ટ્રેન જોધપુર આવી પહોંચતાં જ ત્રણ લક્ઝરી બસ અગાવથી જ તૈયાર હતી. રસ્તો લગભગ ૧૨૧ કીલોમીટરનો બસ માર્ગે કાપવાનો હતો પણ કીર્તિભાઈનું નેત્તૃત્વ આઈ. આઈ. એમ. ની ડિગ્રી ધરાવનારને પણ શરમાવી દે તેવું હતું. મોટું વાહન જેમ સ્કૂટર બાઈકને ટક્કર મારી ફંગોળી નાખે તેમ આંખના પલકારામાં અમારા માટે સઘળી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. દિવસે આરામ કરી રાત્રીના ૮ થી ૧૧ સભાખંડમાં પ્રજ્ઞાલોકના બાળકોનો સંગીત કાર્યક્રમ યોજાવાનો હતો. તેમા “મેરી ખિડકી ખોલું, તો – તેરા દર્શન હો જાયે, ઘોઘાતીર્થ મે તેરા મંદિર બનજાવે, ગીત લગભગ ત્રણવાર વન્સમોર થયું હતું. તો ‘ઓ પાલનહારે, મૈત્રીભાવનું પવીત્ર ઝરણું’ જેવા ગીતો કર્ણપ્રિય રહ્યાં હતાં. જ્યોતિષા પરમાર, શ્યામ ભરડવા, આચાર્ય મનન, અંકિતા ચૌહાણ જેવા કલારત્નોએ પ્રજ્ઞાલોકની શાખ વધારી હતી. તેમણે મુંબઈવાસીઓના દિલ જીતી લીધાં હતાં. સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક અને જેને પ્રજ્ઞાલોકની ઓળખ કહી શકાય તેવા મુખ્ય કલાકાર ઋષિકેશ પંડ્યાને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછા છે. યાત્રાનાં યજમાન કિરીટભાઈ કાર્યક્રમ માણી ભાવવિભોર થઈ ગયા હતા. “સંવેદના અને લાગણીના પ્રદેશમાં આજે યજમાન કિરીટભાઈ, તેમના ધર્મપત્ની નીતાબેન, નાનાભાઈ મહેશભાઈ, રશ્મિબેન, ભરતભાઈ, ચેતનાબેનના માયામુલકની બે કાંઠે વહેતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
આ લોકોનાં સંવેદનાભર્યા વ્યવહારના કારણે આજે વર્ષોથી સૂકાભઠ રહી ગયેલા પ્રજ્ઞાલોકના પ્રદેશમાં સંવેદનાની વહેતી થયેલી સરિતાએ અતિ ફળદ્રૂપ કાંપ ઠાલવી નંદનવન ખડું કર્યું હતું. ભૈરવનાથનું મંદિર જ્યાં આવ્યું છે તે સ્થળના પ્રભાવની વાચકમિત્રોને થોડી જાણકારી આપું તો, દાદા સમક્ષ જે કોઈ સાચી શ્રદ્ધાથી માંથું ટેકવી પોતાની મનોકામના પૂર્ણ કરવા યાચના કરે, તો તેની મનોકામના અવશ્ય પુરી થાય છે. દાદાના સાનિધ્યમાં યોજાયેલ કાર્યક્રમના મધ્યભાગમાં મેં એક વાત સભા સમક્ષ મુકી કહ્યું હતું, કે – ‘ધોરણ ૧૨ પૂરું કર્યા પછી ભાવનગરમાં કૉલેજમાં અભ્યાસ કરતાં નેત્રહીન વિદ્યાર્થીઓ માટે રહેવા છાત્રાલય નથી. તે સ્થાપવા દાદાના આશીર્વાદથી જમીન-ખરીદી અને મકાન બાંધવા માટે મદદ મળશે તો, શાળાનાં તમામ વિદ્યાર્થીઓને દર્શન માટે લાવીશું. બાળકોના આ પ્રાણપ્રશ્ને તાકીદે નિવેડો આવે તેવી કીર્તિભાઈની પણ લાગણી છે.
બંને પ્રોગ્રામના અમારા સારથી બની દોરવણી આપનાર અમારા મુખ્ય સૂત્રધાર કીર્તિભાઈ તેમના જીવનસાથી સરોજબેન, પોતાની સુંદર ઉદ્ઘોષણા વડે-બંને પ્રોગ્રામમાં ચારચાંદ લગાવનાર શાળાના શિક્ષીકા નિતાબેન રૈયાને કેમ ભૂલી શકાય !
વહાલા વાચકમિત્રો, યુટ્યુબના દર્શકોને જણાવતા મને અત્યંત હર્ષ અને ગૌરવની અનુભૂતિ થાય છે કે વિજ્ઞાનના સંવેદનાભર્યા ડગના કારણે અંધજનો માટે શોધાયેલા ખાસ ઉપકરણર્ ંહ્વિૈં-૨૦ ના માધ્યમથી હું, આ લેખ આપ સૌ સમક્ષ લોકસંસાર દૈનિક અને સોશ્યલ મીડિયાના માધ્યમથી મૂકી રહ્યો છું. આશા છે કે- તે આપ સૌને જરૂર ગમશે.
કારણ સંવેદના મનુષ્યને સંસ્કૃતિરૂપી શક્તિ આપી ખરી માનવતાનાં માર્ગે દોરી જાય છે.
ધન્ય હો, છ’ રિ. પાલિતસંઘના યાત્રાળુઓને…
ધન્ય હો, સંઘના યજમાનને…
ધન્ય હો, નાકોડાનાં યજમાન શ્રી કિરીટભાઈનાં પરિવારને….