ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે એકંદરે શાંતિપૂર્ણરીતે આશરે ૬૮.૭૦ ટકા મતદાન થયું હતું. મતદાન શાંતિપૂર્ણરીતે પૂર્ણ થવાની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ગુજરાતમાં પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન થશે તે અંગેનો ફેંસલો હવે ૧૮મી ડિસેમ્બરે થશે. ૧૮મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું.
તમામ જગ્યાઓએ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો. જો કે, મતદાનની ટકાવારી અપેક્ષા મુજબની નોંધા ન હતી. કેટલીક જગ્યાઓએ ઇવીએમમાં તકલીફ થઇ હતી. જો કે, એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ ચૂંટણી પંચે પણ રાહતનો દમ લીધો હતો. અગાઉ મતદાનની આજે સવારે વિધીવતરીતે શરૂઆત થઇ હતી. શરૂઆતમાં તમામ જગ્યાએ ધીમી ગતિથ મતદાન થયુ હતુ. જો કે કેટલાક મતદાન મથકો પર સવારથી જ લાંબી લાઇનો લાગી હતી. બપોરે મતદાનમાં જોરદાર તેજી આવી હતી.
પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતા ઓછુ મતદાન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ દિગ્ગજોએ ઉંચા મતદાન માટે અપીલ કરી હતી. બીજા તબક્કામાં ૯૩ સીટ પર મતદાન થયુ હતું. આજે ૨.૨૨ કરોડ મતદારો પૈકી ૬૮.૭૦ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજા તબક્કામાં મતદારો પૈકી ૧.૧૫ કરોડ પુરૂષો અને ૧.૦૭ કરોડ મહિલા મતદારો નોંધાયા હતા. જે ભારે ઉત્સાહિત દેખાયા હતા. ૨૫૫૫૮ મતદાન મથકો પર સવારમાં મતદાનની શરૂઆત થઇ હતી. આ વખતે ૩૭.૩૭ લાખ મતદારોની વય ૧૮તી ૨૬ વર્ષની વચ્ચેની રહી હતી. બાવન પાર્ટીના ઉમેદવારોના ભાવિ મતદાન શરૂ થયા બાદ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.
ભાજપે ૯૩ અને કોંગ્રેસે ૯૧ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેમના ભાવિ હવે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ લિમખેડા સૌથી નાની સીટ હતી. જેમાં ૧.૮૭ લાખ મતદારો પૈકીના મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આવી જ રીતે ઘાટલોડિયા સૌથી મોટી સીટ છે જેમાં ૩.૫૨ લાખ મતદારો નોંધાયા હતા. મંગળવારના દિવસે સાજે પાંચ વાગે બીજા તબક્કા માટે હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. છેલ્લી ઘડી સુધી મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ પુરતી તાકાત લગાવી હતી. છેલ્લા દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીવરફ્રન્ટ પરથી સી પ્લેન મારફતે ધરોઇ પહોંચીને વિકાસની સાબિતી આપી હતી. જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતા ઓછુ એટલે કે ૬૬.૭૫ ટકા મતદાન થયા બાદ બીજા તબક્કામાં આજે ૬૮.૭૦ ટકા મતદાન થયું હતું. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૧૯ જિલ્લાની ૯૩ સીટ પર બીજા તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ દિગ્ગજો મેદાનમાં આવ્યા હતા.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. આજે સવારે રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકો ઉપર કુલ મળીને ૮૫૧ જેટલા ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમા સીલ થઇ ગયુ હતું. રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠક માટે પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ પુરુ થયુ હતુ. છેલ્લા કેટલાક સમયથી રાજયના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકો ખાતે રાજકીયપક્ષો દ્વારા કરવામા આવી રહેલા પ્રચાર અને પ્રસાર ઉપર મંગળવાર સાંજે પાંચ કલાકે રોક લાગી ગઇ હતી. રાજયમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહી હોઈ વડાપ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામા આવ્યો હતો.આ સાથે જ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી દ્વારા તેમના પક્ષને ૨૨ વર્ષ બાદ સત્તા મળવાના સંજોગો દેખાતા તેમના દ્વારા પણ કોંગ્રેસ માટે પ્રચાર કરવામા આવ્યો હતો. આ ઉપરાંત પણ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા આ ચૂંટણીમા પ્રચાર કરવામા આવ્યો કે જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો સમાવેશ થતો હતો. ૧૬થી વધુ ઉમેદવારો મેદાનમા છે ત્યાં બે ઈવીએમ રાખવામાં આવ્યા હતા. મહેસાણામાં ૩૪ ઉમેદવારો, વટવામાં ૧૬, વિરમગામમા ૨૨, રાધનપુરમાં ૧૭, બાપુનગરમાં ૧૬,ધંધુકામાં ૧૬, ઉમેદવારના ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. સૌથી વધુ ઉમેદવારો મહેસાણામાં ૩૪ અને સૌથી ઓછા ઉમેદવાર ઝાલોદમાં રહ્યા હતા. કુલ મળીને ૨૫,૫૭૫ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે. કુલ ૧.૭૪ લાખ પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ પર હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શનિવારના દિવસે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના મતદાનના સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવારરીતે પાકા આંકડા ટકાવારી અંગેના જારી કરવામાં આવ્યા હતા જે મુજબ ગુજરાતમાં સૌથી નર્મદામાં સૌથી વધુ ૭૯.૧૫ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. ગુજરાતના જે જિલ્લાઓમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું છે તેમાં મોરબી ૭૩.૧૯, ભરુચમાં ૭૩.૦૧, તાપમાં ૭૮.૫૬, ડાંગમાં ૭૨.૬૪, નવસારીમાં ૭૩.૧૯, વલાસડમાં ૭૨.૬૯ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ટકા મતદાન થયું હતું.
બીજા દોરમાં કેટલું મતદાન
બનાસકાંઠા ૭૪ ટકા
પાટણ ૬૬ ટકા
મહેસાણા ૭૫ ટકા
સાબરકાંઠા ૭૭ ટકા
અરવલ્લી ૬૬ ટકા
ગાંધીનગર ૬૫ ટકા
અમદાવાદ ૬૩ ટકા
આણંદ ૭૩ ટકા
ખેડા ૭૦ ટકા
મહિસાગર ૬૫ ટકા
પંચમહાલ ૭૨ ટકા
દાહોદ ૬૦ ટકા
વડોદરા ૭૩ ટકા
છોટાઉદેપુર ૭૦ ટકા
કુલ ૬૮.૭૦
બીજા તબક્કાનુ ચિત્ર
કુલ સીટો ૯૩
મતદારો નોંધાયા ૨.૨૨ કરોડ
પુરૂષ મતદારો નોંધાયા ૧.૧૫ કરોડ
મહિલા મતદારો ૧.૦૭ કરોડ
૧૮-૨૬ વય મતદારોની સંખ્યા ૩૭.૩૭ લાખ
કુલ ઉમેદવારના ભાવિ સીલ ૮૫૧
કુલ રાજકીય પાર્ટી મેદાનમાં રહી ૫૨
પોલીસ જવાનો હતા ૧.૭૪ લાખ
પોલિંગ સ્ટેશન સ્થાપિત ૨૫૫૫૮
કર્મચારીઓ ફરજ પર ૨.૪૧ લાખ
સૌથી વધુ ઉમેદવારો નોંધાયા મહેસાણા (૩૪)
સૌથી ઓછા ઉમેદવારો નોંધાયા ઝાલોદ (૨)
નાની સીટ લિમખેડા(૧.૮૭ લાખ)
મતદારની દ્રષ્ટિએ મોટી સીટ ઘાટલોડિયા (૩.૫૨લાખ)