ગાંધીનગર શહેરી વિસ્તારમાં સ્વાઇન ફ્લૂ વકરવાના એંધાણ મળી રહ્યાં છે. નવા વર્ષમાં દર્દીઓની સંખ્યા માત્ર મહાપાલિકા વિસ્તારમાં જ ૭ પર આવી પહોંચી છે, જોકે તંત્ર દ્વારા લોક જાગૃતિ કેળવવા માટે કરાયેલા સતત પ્રયાસોના કારણે દર્દીઓને સમયસરની સારવાર પણ મળી રહી છે. તેના પરિણામે મહાપાલિકા વિસ્તારમાં મૃત્યુનો એકપણ કિસ્સો નવા વર્ષમાં નોંધાયો નથી.
સોમવારે નવા બે કેસ નોંધાયા તેમાં સેક્ટર ૧૪ અને બોરિજ ગામમાંથી દર્દી મળી આવ્યા હતા. હરકતમાં આવી ગયેલી મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા બન્ને દર્દીના રહેણાંક વિસ્તારમાં સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે અને લોકોને સ્વાઇન ફ્લૂથી બચવાની સમજ આપવામાં આવી હતી.
મહાપાલિકાના મેડિકલ ઓફિસર ઓફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામીના જણાવવા પ્રમાણે સેક્ટર ૧૪માં રહેતા ૬૩ વર્ષિય વદ્ધનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તબિયત સ્થિર દર્શાવાઇ છે. તેવી જ રીતે બોરિજ ગામની રહેવાસી ૮ વર્ષિય બાળકીને શરદી, ખાંસી અને તાવના લક્ષણ જણાયા પછી તેના પર કાબુ આવ્યો ન હતો. બાળકીના લોહીનું પરિક્ષમ કરવામાં આવતા તેનો રિપોર્ટ પણ સ્વાઇન ફ્લૂ પોઝિટીવ આવ્યો હતો. બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું આરોગ્ય શાખાના સુત્રોએ જણાવ્યુ હતુ.