મમતા બેનરજીના ધરણાનો આંદોલનનો મોડીસાંજે અંત

532

કોલકાતા : પશ્ચિમ બંગાળનાં આ પાટનગર શહેરના પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ દ્વારા ધરપકડથી બચાવવા માટે રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગયા રવિવારે રાતથી શરૂ કરેલું એમનું ધરણા આંદોલન આજે સાંજે અહીં સમાપ્ત કરી દીધું છે. શારદા ચિટ ફંડ કૌભાંડ કેસના સંબંધમાં પોલીસ કમિશનર રાજીવ કુમારની ધરપકડ કરવા માટે સીબીઆઈના અધિકારીઓ ગયા રવિવારે આવી પહોંચ્યા બાદ બેનરજીએ ઉહાપોહ મચાવી દીધો હતો અને આ પગલું કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરીભર્યુ છે એવો દાવો કર્યો હતો અને કેન્દ્ર સરકારના વિરોધમાં કોલકાતામાં મેટ્રો થિયેટરની સામેના સ્થળે ધરણા પર બેસી ગયાં હતાં. પોતાનાં આ આંદોલનને એમણે ‘બંધારણ બચાવો ધરણા’  નામ આપ્યું હતું.

ધરણાનો અંત લાવતાં એમણે કહ્યું કે આ ધરણા એ બંધારણ તથા લોકશાહીની જીત સમાન છે. તેથી આજે આનો અંત લાવી દઉં છું. એ લોકો (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારની તપાસ એજન્સીઓ સહિત બધી એજન્સીઓ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. વડા પ્રધાન તમારે દિલ્હીમાંથી રાજીનામું આપવું જોઈએ અને ગુજરાત પાછા જતા રહેવું જોઈએ. દિલ્હીમાં તો એક વ્યક્તિની સરકાર અને એક વ્યક્તિની પાર્ટી સરકાર ચાલે છે.

બેનરજીએ ધરણાનો અંત લાવ્યો ત્યારે એમની સાથે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઈને આદેશ આપ્યો હતો કે એણે રાજીવ કુમારની ધરપકડ કરવી નહીં. કોર્ટે સાથોસાથ, રાજીવ કુમારને પણ આદેશ આપ્યો છે કે એમણે સીબીઆઈ સમક્ષ હાજર થઈને પૂછપરછનાં જવાબો આપવા.

કોર્ટે રાજીવ કુમારને આદેશ આપ્યો છે કે એમણે મેઘાલયના પાટનગર શિલોંગમાં તપાસનીશ એજન્સી સીબીઆઈના અધિકારીઓ સમક્ષ હાજર થવું.

Previous articleમમતાનો જીતનો દાવો હાસ્યાસ્પદ : પ્રસાદ
Next articleપોલીસ કમિશનરને CBI સામે હાજર થવા સુપ્રિમનો આદેશ