ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના ત્રણ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી કોંગ્રેસ પાર્ટીને આજે મોટો ફટકો પડ્યો હતો. કોર્ટે મતગણતરીમાં કોઇ પણ દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રીમે દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કરીને કોંગ્રેસની આ પ્રકારની માંગને ફગાવી દીધી છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને માંગ કરી હતી કે ૧૮મી ડિસેમ્બરના દિવસે મતગણતરીના દિવસે કમ સે કમ ૨૫ ટકા વીવીપેટ પરચીને ઇવીએમ સાથે ક્રોસ વેરિફાઇડ કરવામાં આવે તે જરૂરી છે. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે ઇવીએમમાં જે વોટ પડ્યા છે તેની તુલના વીવીપેટ સાથે કરવામાં આવે તે જરૂરી છે. અત્રે નોંધનીય છે કે ગુરૂવારના દિવસે મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાત માટે મોટા ભાગના એગ્ઝિટ પોલમાં કોંગ્રેસને હાર આપવામાં આવી છે. એગ્ઝિટ પોલમાં ભાજપની જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે પહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ હાર્દિક પટેલે ઇવીએમમાં ગેરરિતીનો આરોપ મુક્યો છે. હાર્દિકે શંકા વ્યક્ત કરતા કહ્યુ છે કે એગ્ઝિટ પોલીમાં ભાજપની જીત એટલા માટે દર્શાવવામાં આવી રહી છે કે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ઇવીએમ પર કોઇ પ્રશ્નો ઉભા ન થાય. હાર્દિકે ગુરૂવાર સાંજે ટ્વીટ કરીને આ મુજબની માહિતી આપી હતી. આ પહેલા ઉત્તરપ્રદેશ ચૂંટણીવેળા ઇવીએમમાં ખામી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી અનમે બહુજન સમાજ પાર્ટી દ્વારા ઇવીએમને લઇને પ્રશ્નો કર્યા હતા. આમ આદમી પાર્ટીએ તો દાવો કર્યો હતો કે ઇવીએમને સરળતાથી હેક કરવામાં આવી શકે છે. જો કે ચૂંટણી પંચે આ તમામ આરોપોને રદિયો આપ્યો હતો. ઇવીએમને લઇને પ્રશ્નો સપાટી પર આવ્યા બાદ ગુજરાતમાં ચૂંટણીના ઉપયોગમાં આવનાર તમામ ઇવીએમને વીવીપેટ સાથે જોડવા માટે અપીલ કરવામાં આવી હતી. મશીન મારફતે એની ખાતરી કરવામાં આવે છે કે મતદાતાએ જેને મત આપ્યો છે તે તેના ઉમેદવારને ગયુ છે. મશીનના ડિસ્પ્લેમાં એજ મતદારના નામની પરચી આવે છે.