ભાવનગર જિલ્લા સરકારી માધ્યમિક શાળાઓ અને કોર્પો.ની સરકારી પ્રા.શાળાના ઈકો કલબ ઈન્ચાર્જ શિક્ષકો માટેની કાર્યશાળા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે એમ.કે.બી. યુનિ. અને શિક્ષણ વિભાગ – ભાવનગરની સંયુકત ઉપક્રમે યોજાઈ ગઈ. યુનિ.ના મરીન સાયન્સના હેડ અને માનદ્ વન્ય પ્રાણી સંરક્ષક ડો. ઈન્દ્રશન ગઢવીએ પર્યાવરણ અને માવ વિશે પોતાની વાત મુકતા કહેલ કે વૈશ્વિક ઈકો સીસ્ટમ એ રીતે ડિસ્ટર્બ થઈ રહી છે કે ગીધ જેવી પ્રજાતિ પચીસ વર્ષના ટુંકા ગાળામાં લપ્તતાને આરે પહોચી ગઈ ! પી.પી.ટી. દ્વારા તેઓએ પર્યાવરણ અને માનવના અદ્વિતીય જોડાણની અદ્ભૂત માહિતી આપેલ. નાયબ વન સંરક્ષક ડો. સંદીપકુમારે ગીર તેની પ્રકૃતિ અને માનવજીવનની રોચક વાતો કરતાં ઈકો કલબના મહત્વ વિશે રસપ્રદા માહિતી આપેલ. તાપીબાઈ આયુ. હોસ્પિટલના ચિકિત્સક ડો. ત્રિવેદીએ આયુર્વેદિક વૃક્ષો અને તેના મહત્વ વિશે અનેક વૃક્ષોા અને દેવી-દેવતાઓને સાંકળીને સૌ જ્ઞાનપિયાસુઓને તૃપ્ત કર્યા હતાં. ફરિયાદકા પ્રા.શાળાના આચાર્ય પ્રવિણભાઈ સરવૈયાએ પંખી કાવ્યો દ્વારા બાળકોને સહજતાથી પ્રકૃતિ શિક્ષણ કેવી રીતે આપવું તેની સમજ આપી હતી. તેમજ પંખીઓના માળા વિશે વીસ્તૃત સમજ આપી હતી. તલગાજરડા મોડેલ સ્કુલના પ્રિન્સિપાલ અને મહુવા ન.પ્રા.શિ. સમિતિના ઈન્ચાર્જ શાસનાધિકારી જિજ્ઞેશભાઈ ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમના આયોજન અને રૂપરેખામાં મહત્વની ભુમિકા ભજવી હતી. અને કાર્યક્રમની ભુમિકા સાથે શેત્રુંજી પ્રકૃતિ મંડળની પ્રવૃત્તિઓની પણ વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વન વિભાગના એ.સી.એફ. રાઠોડ આર.એફ.ઓ. પટેલ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.