ઈંગ્લેન્ડમાં ૩૦ મેના રોજ શરૂ થઇ રહેલા આઈસીસી વનડે વર્લ્ડકપ માટે તમામ ૧૦ ટીમો પોતાનું સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે જાહેર થવા સજ્જ છે. આ વાતને લઈને ક્રિકેટ વિશેષજ્ઞોથી લઇને પૂર્વ ક્રિકેટરો સુધી તમામે પોત-પોતાની ફેવરિટ ટીમોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન શોન પોલોકે ભારત અને ઈંગ્લેન્ડને ૧૨મા વનડે વર્લ્ડકપ એવોર્ડ માટે પ્રબળ દાવેદાર ગણાવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્વિંગ બોલર તરીકે જાણીતા વસીમ અકરમે પણ ભારતને વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. તેમણે પાકિસ્તાન ક્રિકેટ ટીમની સંભાવનાઓને પણ નકારી નથી અને ન્યૂઝીલેન્ડને પણ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદારના લિસ્ટમાં મૂકી છે. વર્ષ ૧૯૯૨માં પાકિસ્તાને જીતેલા વર્લ્ડકપના સભ્ય રહેલા અને વર્ષ ૧૯૯૯ના વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આ ૫૨ વર્ષીય ઝડપી બોલરે ભારતને વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર ગણાવી છે. જ્યારે અકરમ પાકિસ્તાન ક્રિકેટ ટીમની સંભાવનાઓને લઇને પણ સકારાત્મક જોવા મળ્યા હતા.
એક અંગ્રેજી અખબારમાં પોતાની કોલમમાં વસીમ અકરમે લખ્યું કે, પાકિસ્તાન હંમેશાં એવી ટીમ રહી છે જેને લોકો રમતી જોવાનું પસંદ કરે છે અને તેને ફોલો પણ કરે છે. તમે પાકિસ્તાની ટીમને નકારી ના શકો. પરંતુ ભારત મને સૌથી મોટી દાવેદાર ટીમ લાગી રહી છે. ન્યૂઝીલેન્ડ પણ ડૉર્ક હાર્સ છે.