શહેરમાં વધતા જતા રોગચાળા સામે તંત્ર પહોંચી વળતુ ન હોવાને કારણે શહેરના નાગરિકોએ રાજય સરકારના મંત્રી આરોગ્ય અંગે ચિંતા કરે તેવી માંગણી કરી છે.
સ્વાઈન ફલુ ઉપરાંત મેલેરીયા અને ઝેરી મેલેરીયાએ પણ ગાંધીનગરમાં મોટાપાયે દેખા દીધી છે. જેથી સીવીલ જ નહીં પરંતુ ખાનગી દવાખાના પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. મનપા પાસે સ્ટાફ અને સાધનો પુરતા નહી હોવાના કારણે જન સંખ્યા સુધી પહોંચી વળે તેમ નથી. મેલેરિયા, ફાલ્સીપેરમ, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા મચ્છરના બ્રિડિંગ ઠેકઠેકાણે મળી આવતા હોવાથી પાણીજન્ય રોગચાળો માથું ઉચકવામાં છે, તેમાં ઠેક ઠેકાણે ફેલાયેલી ગંદકીના કારણે પીડીતોની સંખ્યામાં વધી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગે છે. ઉપરાંત ખાનગી દવાખાનામાં પણ પગ મુકવાની જગ્યા હોતી નથી. રોગચાળાની સ્થિતિને કાબૂમાં લાવવા માટે મહાપાલિકા તંત્ર પાસે સ્ટાફ અને સાધનની સ્થિતિ જોતાં પ્રાથમિક દષ્ટિએ તંત્ર પહોંચી વળે તેમ જણાતું નથી.
પાટનગરમાં મુખ્ય માર્ગો અને વીઆઇપી વિસ્તાર સિવાય ક્યાંય સફાઇ થતી જોવા મળતી નથી અને કચરાના ઢગલા તો કચરા પેટી પાસે પડેલા જોવા મળે છે. ત્યારે શેરી સફાઇ, ઉકરડા હટાવવા, ઢોરવાડા ખસેડવા, ઝુંપડપટ્ટી, ખાણી પીણીની બજારો અને ખાલી આવાસની વસાહતોની ખાસ સફાઇ ઝુંબેશ ચલાવીને તમામ જગ્યાઓને જંતુ રહિત કરવાનું ખુબ જરૂરી છે. તેના માટે મોટા પ્રમાણમાં માણસો અને મશીનો-સાધનો કામે લાગે તો પરિણામ મળે તેમ હોવાથી આરોગ્ય કમિશનર કક્ષાએથી વ્યવસ્થા ગોઠવવા માગણી કરાઇ છે. જો તાકિદે બાબતે સરકાર તરફથી જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્યા વિકરાળ બની રહેશે તેમાં કોઈ શંકા નથી.
પાટનગરના ખુબ મોટા અને ખુલ્લા વિસ્તારમાં પહોંચી વળવા માટે મહાપાલિકા પાસે કોઇ અપેક્ષા રાખી શકાય તેમ હોવાના સંજોગોમાં જો સરકાર કક્ષાએથી યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો ખુબ મોડું થઇ જવાની સાથે ગાંધીનગરની પ્રજાએ ઘણું સહન કરવાનું આવશે તેમ અરૂણભાઇ બુચે જણાવ્યું છે.