સરકારી અને ખાનગી શાળાઓમાં બીન તાલીમી શિક્ષકો મોટા પ્રમાણમાં ફરજ બજાવતા હતા. પીટીસીનો અભ્યાસ કરનાર શિક્ષકો નહિં મળવાથી તે સમયે સમસ્યા સામે આવી હતી.
હાલમા બીન તાલીમી શિક્ષકો નોકરી કરતા હોય તો તેમને આગામી ૩૧ માર્ચ ૨૦૧૯ પહેલા માન્ય યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર મેળવી લેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. ત્યારબાદ જો કોઇ શિક્ષક પ્રમાણપત્ર વિનાનો જોવા મળશે તો તાત્કાલિક અસરથી નોકરીમાંથી દુર કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી એસ એમ બારડે કહ્યુ હતું.
શહેરના સેક્ટર ૭માં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગુરૂવારે જિલ્લાના શિક્ષકોની એક બેઠક બોલાવી હતી. જેમાં શિક્ષકો, આચાર્ય અને શિક્ષણ વિભાગના અધિકારી હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એસ એમ બારડે જણાવ્યુ હતું કે, જિલ્લાની શાળાઓમાં બીન તાલીમી શિક્ષકો ફરજ બજાવતા હોય તો તેમણે ૩૧ માર્ચ ૨૦૧૯ પહેલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હોય તો નેશનલ યુનિવર્સિટી અને બીએડ્ કરવાનુ હોય તો ઇગ્નુ અથવા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર મેળવી લેવાનુ રહેશે.
શિક્ષકને બે વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે ત્યારે જો કોઇ શિક્ષકે જરૂરી અભ્યાસક્રમ પુરો ના કર્યો હોય તો તે સમયસર પુરો કરી લે, નહિં તો સમય મર્યાદા પછી કોઇ શિક્ષકનો નોકરીમાં રાખવામાં આવશે નહિં.