સાયબર સિકયુરિટી એન્ડ કોમ્બેટીંગ સાયબર ક્રાઇમ વિષયે ત્રિદિવસીય વિચાર-વિમર્શ થશે

737

આ કોન્ફરન્સનું આયોજન ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ પોલીસ એકેડેમીઝ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના ઉપક્રમે ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ગાંધીનગરમાં થયું છે. ૫૬  રાષ્ટ્રોના ૧૦૦ થી વધુ સિનીયર પોલીસ અફસરોએ આ પરિષદ માટે નોમિનેશન કરાવેલું છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, પાછલા બે દાયકાથી સાયબર થ્રેટસ અને સાયબર ક્રાઇમે અતિગંભીર સ્વરૂપ લઇ લીધું છે. એટલું જ નહી, ડિઝીટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પરિણામે હવે બધી જ માહિતી અને વિગતો ડિઝીટલી મેનેજ થવાને કારણે નાગરિકોની સુવિધા વધી છે. સામે પક્ષે સાયબર ક્રાઇમ પણ એટલી જ ઝડપે વધતા જાય છે. સાયબર ક્રાઇમે દેશના નાગરિકોની પ્રાયવસી સામે પણ પડકાર ફેકયો છે તેમજ નાણાંકીય ઉચાપતોથી લઇને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓને પણ ચેલેન્જ કરી છે.

આ સમસ્યા માત્ર ભારત જ નહિ અન્ય રાષ્ટ્રો પણ અનુભવી રહ્યા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, સાયબર સ્પેસમાં ઉપલબ્ધ ડેટાની સુરક્ષા-જાળવણી અને સંભવિત સાયબર એટેકથી તેને સુરક્ષિત રાખવા ઇન્ટરપાના સહભાગી રાષ્ટ્રો સામૂહિક વિચાર વિમર્શથી નક્કર પરિણામોની દિશામાં આગળ વધે તે સમયની માંગ છે.

મુખ્યમંત્રીએ ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી આ ક્ષેત્રે હોલીસ્ટીક એપ્રોચ સાથે કાર્યરત છે તેની ભૂમિકા આપી હતી. જી.એફ.એસ.યુ. સાયબર ડિફેન્સ સેન્ટર અને અદ્યતન સાધનો-ટેકનોલોજીની સજ્જતા સાથે સાયબર એટેકસ સામે વિવિધ રાષ્ટ્રોના પોલીસ અફસરોને ટ્રેનિંગ પૂરી પાડી રહ્યું છે. આ પ્રસંગે ઇન્ટરપાના પ્રમુખ ર્ડા. ઇલમાઝ કોલક દ્વારા ફોરન્સીક સાયન્સીસ યુનિવર્સિટી ના ડાયરેકટર  વ્યાસને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરાયો હતો.

ઇન્ટરપાના અધ્યક્ષ ર્ડા.ઇલમાઝ કોલાકે સાયબર સુરક્ષાનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, આઠમી ઇન્ટરપાના આયોજનથી વિશ્વભરના સાયબર તજ્જ્ઞો અને પોલીસ અધિકારીઓ પોતાના અનુભવો તેમજ જ્ઞાનનું આદાન- પ્રદાન કરશે. સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને સાયબર ગુનાઓ અટકાવવા આ ત્રિવસીય ઇન્ટરપા ખૂબ જ મહત્વની સાબિત થશે. ઇન્ટરપાના ૫૬ દેશોમાં ૭૨ સભ્યો છે અને વધુને વધુ સભ્યો જોડતા જાય છે, જેના પરિણામે વૈશ્વિક સ્તરે સાયબર સુરક્ષાને વધુ સક્ષમ બનાવવા બળ મળશે. ટેક્નોલોજી અને ઇન્ટરનેટના વધતા જતા વ્યાપના કારણે સાયબર ક્રાઇમની પેટર્ન બદલાઇ છે. નાગરિકોની પ્રાઇવસી જાળવવા માટે સાયબર સુરક્ષાને વધુ સુરક્ષિત કરવી જરૂરી છે. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમી – ઇન્ટરપા વિશ્વની પોલીસ એકેડમીઝ અને તેની સમકક્ષ સુરક્ષા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓનું વૈશ્વિક સંગઠન છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી આ ઇન્ટરપાની સભ્ય છે જેનો હેતુ પોલીસ તાલીમ અને શિક્ષણ ક્ષેત્રે વિશ્વ કક્ષાએ કોમ્યુનિકેશન એન્ડ કોલોબોરેશન નું પ્લેટફોર્મ પુરું પાડવાનો છે,તેમ જણાવી શ્રીયુત કોલાકે આઠમા ઇન્ટરપાના સફળ આયોજન બદલ રાજ્ય સરકાર અને જીએફએસયુનો આભાર માન્યો હતો.

ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના ડાયરેકટર જે. એન. વ્યાસે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, આજે યુનિવર્સિટી દશ વર્ષ પૂર્ણ કરીને ૧૧મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે યોજાઇ રહેલ આ ઇન્ટરપા કોન્ફરન્સ આપણા સૌ માટે ઐતિહાસિક દિન છે. તેમણે, ‘‘સાયબર સીકયુરિટી એન્ડ કોમ્બાટીંગ સાયબર ક્રાઇમ’’ થીમ પર ત્રિદિવસીય કોન્ફરન્સ માટે ભારતમાં સૌ પ્રથમવાર ગુજરાતની પસંદગી થઇ એ માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleરાજયપાલની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે આઈઆઈટીઈનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો
Next articleસ્વાઈન ફલૂના કહેરથી થઇ રહેલા મોત મામલે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો