આપણે સહુ ભગવાન શિવની પૂજા-અર્ચના કરતા હોઈએ છીએ. દેવાધિદેવ મહાદેવ શંકર ભગવાનના પ્રિય વાહન નંદિને એક સંદેશ લઇ જુદા-જુદા અવતાર ધારણ કરનાર સૃષ્ટિ પર જેમને મોકલી જીવોની દેખભાળ કરવા કેટલાક કર્મનિષ્ઠ પુંજી ધરાવતા જીવોને માનવ બનાવી મોકલવાના હતા. જેમાં માનવ તરીકે જન્મ પામનારા દરેક જીવો પોતાને સોંપેલી જવાબદારી અદા કરી શકે તેવા ઉમદા હેતુથી ભગવાન શંકરે નંદીને મોકલ્યો. પણ ભૂલકણા સ્વભાવનો નંદી ભૂલ્યો. તેણે સૃષ્ટિ પર જઈ જન્મ પામનારા જીવોને કહ્યું, ‘ત્રણવાર ખાવું અને એક વાર નાહવું.’ નંદીની આ ગડબડનાં કારણે મોટો અનર્થ સર્જાયો. પરિણામે માનવ પોતાનો ધર્મ ભૂલ્યો છે. આજે માનવ સૃષ્ટિનો રક્ષક હોવા છતાં તે તેનો ભક્ષક બન્યો છે. સૃષ્ટિની સંભાળ રાખવાને બદલે તે તેનું નિકંદન કાઢી રહ્યો છે. જેને બીજા જીવોની કાળજી લેવા આદેશ આપવામાં આવ્યો હતો. તે પોતાના અંગત સ્વાર્થ, સુખ-સગવડ ખાતર દિન-પ્રતિદિન પર્યાવરણનો ભોગ લઈ રહ્યો છે. કુદરત સામે તેણે ડગ માંડી અનેક સવલત મેળવવા પાણી, પૃથ્વી અને વાયુને દુષિત કરવામાં પાછુંવાળી જોયું નથી. ખરેખર તો, માણસે સમજી અન્યના કલ્યાણ ખાતર પોતાનું હિત જતું કરી થોડો ત્યાગ કરતા શીખવું જોઇએ. કારણ કે બધા સજીવો કરતા ભગવાને માનવને તેની હેસિયત કરતા પણ ઘણું બધું અગાઉથી જ આપ્યું છે. તેમ છતાં તેને તેમાં કોણ જાણે કેમ સંતોષ થતો નહીં હોય! આપણે વધુ પડતા વાહનોનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઈડ વાયુનો વાતાવરણમાં વધારો કરી રહ્યા છીએ. દરિયામાં પ્લાસ્ટિક, વિવિધ કેમિકલ કે એના જેવા નકામા પદાર્થોનો કચરો ઠાલવી દરિયાઈ જીવોનો જાણે-અજાણ્યે રોજ ભોગ લઈ રહ્યા છીએ. એરકંડિશન, ફ્રીઝ, એરકુલર જેવા યંત્રોનાં વધુ પડતા ઉપયોગનાં કારણે માણસ આજે ઝેરી પર્યાવરણને કંકોત્રી મોકલી નિમંત્રી રહ્યો છે. જે રીતે લગ્નપ્રસંગે વગર આમંત્રણે આવી પહોંચેલા ભિખારીઓ યજમાનને આકુળ-વ્યાકુળ કરી દોડધામ કરાવી મૂકે છે, તેમ આપણા નિમંત્રિત મહેમાન પણ કરી શકે છે. તેને રોકવા હવે જાગવાનો સમય થઇ ગયો છે.
આવતી પેઢી અને બીજા જીવોનાં સુખ ખાતર આપણે થોડું-ઘણું અર્પણ કરવા આગળ આવીએ, તેમાં જ આપણું ભલું સમાયેલું છે. જેણે-જેણે અર્પણ કર્યું છે તેની નોંધ ઇતિહાસે પણ લીધી છે. આપણી ખામી તો આપણે જ શોધવી પડશે. સાવ સીધી-સાદી વાત આપણે આપણા ઘરમાંથી શીખવી હોય તો, ઘરની બહેનો-દીકરીઓ અને પત્ની પાસેથી પણ શીખી શકીએ છીએ. બહેનો બહાર નીકળતા પહેલા અનેકવાર દર્પણ સામે ઊભા રહી ચેક કરી લે છે કે, બધું જ ઠીકઠાક તો છે ને? આપણા વૈજ્ઞાનિકો રોજ અવનવી શોધ કરે છે. થોડા જ વર્ષોમાં વળી જાણવા મળે છે, આ સાધનનો વધુ પડતો ઉપયોગ માણસ માટે હાનીકારક છે. એક સમયે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખેડૂત માટે સમજદારી ભર્યો ગણવામાં આવતો હતો. આજ-કાલ ખેડૂતને તેનો ઉપયોગ બને તેટલો ઓછો કરવા સલાહ આપવામાં આવે છે. તૈયાર થયેલા પાકમાં છાંટવામાં આવતાં જંતુનાશકોના કારણે રોગોનું પ્રમાણ દિવસે-દિવસે વધ્યું છે. દવા અને તે માટે વપરાતા પદાર્થોનાં કારણે આજે ‘માણસને રોગની પ્રયોગશાળા’ બનાવી દીધો છે. માણસે આજે મહેનતના નામે મીંડું વાળ્યું છે. આજે જીમહાઉસ તો ધમધમે છે, પણ ઘરના કામ માટે કામવાળાની રાહ જોવી પડે છે. રસોડા આધુનિક સવલતવાળા બન્યા છે, પણ તેમાં ભાગ્યે જ રસોઈ નિયમિત થાય છે! ફાસ્ટફૂડ તો મહેનત બચાવવા આપણે ખાવા તૈયાર રહીએ છીએ, પણ તેની બનાવટ કે તેના લાભાલાભની પળોજણમાં આપણે કદી પડતા નથી. જો કે આપણું લક્ષ્ય એક ટંક કાઢવાનું જ હોય છે. તેથી આ બધી રામાયણ શા માટે કરવી જોઈએ?
પણ હા, ઘરમાં બહેનો પાસેથી હું તમને શીખવાની જે વાત કરતો હતો તેની શરૂઆત તો બહેનો જ કરે છે ને? તમે સૌ કહેશો કે ‘ના’ એ તમારી વાત સાવ ખોટી છે, ઘરમાં કે બહાર ફાસ્ટફૂડ કાં તો અમે ખાવા લાવીએ અથવા અમે જ અમારા વાહન પર આ લોકોને લઇ જઈએ છીએ. પછી તેનો શી રીતે વાંક કાઢી શકાય? સારું, બાબા જવા દો – આ વાત. આવા સમયે સાચું કહેજો – તમે પણ આ વાત દિલથી તો સ્વીકારતા જ હશો, પણ શું થાય? સમય જ બળવાન છે. ‘કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ’ માણસ સમયનો ગુલામ બનતો હોય છે. બાકી તો એ ખરા અર્થમાં વાઘ છે વાઘ! વાઘ ક્યાં શિકારને જતો કરે છે? જવા દો આ પાયા વગરની વાતને. કેમ ભાઈ! પોતાને લાગુ પડે છે એટલે ના ગમ્યું? જો મોટાભાઈ, આપણો ચહેરો કદરૂપો હોય તો અરીસો કાંઈ થોડો ફોડી નખાય? હા, વારંવાર અરીસામાં જોવાનું જરૂર ટાળી શકાય. તમારી વાત સાવ સાચી છે. વિજ્ઞાને જે સગવડ આપણા માટે ઊભી કરી આપી છે તેનો લાભ ઉઠાવવો જ જોઈએ ને? બાકી તો આગે-આગે દેખા જાયેગા, હોતા હૈ ક્યા? આવા સંવાદો મિત્રો, મને ને તમને દર્પણ સુધી પહોંચવા દેતા નથી. માટે જ હું અને તમે આપણા પોતાના દોષો જોઈ શકતા નથી. આનું કારણ ‘આપણે હંમેશા સ્વાર્થમાં રચ્યા-પચ્યા રહીએ છીએ.’ પછી શી રીતે અન્યની પીડા દેખાય? જો કે ઝંઝાવાતી ફૂંકાતા વાવાઝોડા વચ્ચે પણ લોકોનો તૂટો તો હજી પડ્યો નથી. નહીંતર જગત શી રીતે ચાલે!
આજે સેંકડો ગૌશાળાઓ ચાલે છે અનેક ભિક્ષુકોને લોકો ‘ફૂલ નહીં તો, ફૂલની પાંખડી’ તેના પેટનો ખાડો પૂરવા મદદ માટે હાથ લંબાવી આપે છે. આવા દરેક લોકોને હું શતશત વંદન કરું છું.
અર્પણ :- તમે જે કામ કરતા હો તે દિલ દઈને નિષ્ઠાપૂર્વક કરો. કાર્ય અને તમારા અંતરનો સંવાદ રચાશે. તેમાં જોડાયેલા પ્રત્યેક લોકો સાથે તમારો સેતુ બંધાશે. સમય જતાં લાગણીનો પ્રવાહ એકમેકના હૈયાના ભેદ ભુલાવી નિર્મળ વહેતી નદીની માફક વહેતો થશે. સંવેદના વિનાનો માણસ દિવેલ વગરના કોડિયા જેવો ગણાય છે. ખીલેલી સંધ્યાના રંગો આંખોને જેમ અનેરી ઠંડક આપે છે, તેમ સંવેદના માણસના હૃદયમાં આહલાદક આનંદની અનુભૂતિ કરાવે છે. પૃથ્વી પર સ્ત્રી સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ છે. તેથી માતા, દીકરી, બહેન કે પત્ની સહિતના પાત્રોને ન્યાય આપી – દરેક પાત્રમાં તેના આગવા વ્યક્તિત્વના દર્શન થાય છે, તેથી જ તો તેને કરુણાની મૂર્તિ પણ કહેવાય છે.
દર્પણ :- સામાન્ય રીતે જોઈએ તો, દર્પણ એટલે કે ‘આયનો’. જેનો ઉપયોગ આપણે આપણી જ મુખાકૃતિ જોવા કરતા હોઈએ છીએ. જોકે આનો વધુ ઉપયોગ તો સ્ત્રીઓ જ કરતી હોય છે. પરિણામે તેનો પૉઝિટિવ લાભ પણ તેને જ થયો છે. ઘરમાં પતિ-પત્ની વચ્ચે ગમે તેવો ઝઘડો જામી ગયો હોય પણ તેમાં જો પત્ની દોષિત હોય, તો થોડા જ સમયમાં શાંતિ થતાં પત્ની પતિ પાસે સામેથી આવી કબૂલાત કરવા લાગી જાય છે અને થોડી જ મિનિટોમાં જાણે કશું જ બન્યું ન હોય તેવી પરમ શાંતિ છવાઈ જાય છે. બહેનોની આ ટેવ અરીસામાં વારંવાર જોવાની આદતને આભારી હોય છે. આ આદતનાં પરિણામે બહેનો પોતાના અંતરમાં રહેલા દર્પણમાં નિહાળી પોતાનો દોષ જાણી શકે છે. જેના લીધે તે સંવેદનાની સરિતાના નિર્મળ નીરમાં ડૂબકી લગાવી શકે છે. બહેનો દર્પણના ઉપયોગમાંથી ઘણું બધું જીવનમાં ઉતારવા જેવું અને માણવા જેવું પામી શકે છે. મને યાદ છે – ઘણી બહેનો તો ગમે તેવા જામેલા ઝઘડામાં શાંત રહી પોતાના પક્ષે થયેલી ભૂલોનો આબાદ બચાવ કરી ઝઘડાનો સુખદ અંત લાવવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે. આનું કારણ પણ પોતાના દોષો જોવાની શક્તિ ગણી શકાય. જે કોઈ પોતાના અંતરમાં ઈશ્વર દ્વારા મુકાયેલા દર્પણમાં દૃષ્ટિપાત કરવા સમર્થ નીવડે છે તે પોતાના દોષોનું ઝીણવટભર્યું અવલોકન કરી પોતાના દોષ નિવારી શકે છે. જોકે આમાં બહેનો હંમેશા મોખરે રહી છે. આમ અર્પણ, દર્પણ અને સમર્પણથી સંવેદનાનો કોઈ પણ માલિક બની શકે છે.
નંદીની ભૂલના પ્રતાપે આપણને ત્રણ-ત્રણ વાર ભોજન કરવાની તક તો મળી, પણ તે મેળવવાના દામ પેટે આપણે આ ત્રણ ગુણો કેળવી સંવેદનાની મહામૂલી મૂડીના ધની બની શકીએ છીએ. પિડિતો, ગરીબો, બીમાર લોકો કે અશક્તોની વહારે જઈ સંવેદનારૂપી ધન કમાઈ, મોક્ષયાત્રાના માર્ગે ખપ લાગે તેવી મહામૂલી મૂડીમાં તોતિંગ વધારો કરી શકીએ છીએ. જે કોઈ જીવનના મૂલ્યવાન રહસ્યો જાણી શકતા નથી, તેઓ મૂલ્યવાન માનવ અવતાર ગુમાવે છે. અનેક પુણ્યની પૂંજી જમા થયા પછી આત્માને મૂલ્યવાન મનુષ્ય અવતાર મળે છે, તેથી તે એળે ન જવો જોઈએ. જે આત્માને માનવ અવતાર લેવાની તક પુણ્યના અભાવે મળી શકતી નથી તેવા આત્માઓને ઈશ્વર તપ-યાચના કરવા વૃક્ષ બનાવી મોકલે છે. હજારો વર્ષોની આવી યાત્રાના અંતે આખરે તે માનવ અવતાર પામે છે. માનવ અવતાર પામ્યા પછી પણ જો તે સંવેદનારૂપી ધન કમાવવામાં નિષ્ફળ જાય તો તેને ફરી ચક્કર લગાવી સંવેદનારૂપી ધન કમાવવા મથામણ કરવી પડે છે.
સમર્પણ :- ગીતા ગાયક ભગવાનશ્રી કૃષ્ણના મતે પ્રત્યેક જીવોએ પોતાનું કર્મ ફળની અપેક્ષા રાખ્યા વિના બજાવતા રહી, સ્વના કલ્યાણ માટે યત્નશીલ રહેવું જોઈએ. જેઓ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા ઇચ્છે છે તેમણે આ વાત યાદ રાખવી રહી. જીવોના યાત્રામાર્ગમાં આવતા અવરોધોને અટકાવવા આ ત્રણ ગુણ બહુ ઉપયોગી નીવડે તેવા છે. આ માટે તમારું સમર્પણશસ્ત્ર બહુ ઉપયોગી પુરવાર થઈ શકે છે. કોઈ પણ કાર્યમાં તમારું સમર્પણ કરવા જેટલા તમે ઉત્સુક રહો છો, તેટલું જ કાર્ય સફળ થઈ શકે છે. સમર્પણથી થયેલું કોઈ પણ કામ સિદ્ધિના શિખરે દોરી જાય છે. જગતના ઉદયથી જ સૂર્ય-ચંદ્રનું પ્રદાન અનેરું રહ્યું છે. તેને કદી યાદ આપવું પડતું નથી – ‘આજે પૂનમ છે એટલે જરા વહેલા ઊગવાનું રાખજો.’ તેનું સમર્પણ સૃષ્ટિના કલ્યાણ અને સંચાલન માટેનું છે. આપણે પણ પ્રકૃતિ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. દુનિયાના ઉદયથી માણસ પોતા સુખ-સગવડ માટે દિવસે-દિવસે ક્રૂર બનતો રહ્યો છે. સુખ-સગવડ મેળવવા તેણે પ્રાણીઓને કામે લગાવી તેની પાસે વૈતરું કરાવ્યું છે. ટૂંકમાં, માણસે જાગવાનો સમય પાકી ગયો છે. ગીતા ગાયક ભગવાનશ્રી કૃષ્ણ જે ઉપદેશ કરે છે તે વાત મુજબ મારું અને તમારુ સમર્પણ માટે કોઈ કવિએ પદ લખ્યું છે. આ પદ આપણા પ્રિય એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉ. કૃણાલભાઈ જોશી વારંવાર ગાય છે.
મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે.
હું તો પંથ તમારો છોડું નહિ ને દૂર દૂર ક્યાંય ભાગું નહિં,
આવે જીવનમાં તડકા ને છાયા, દુઃખોનાં ભલે પડે પડછાયા;
કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે.
મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે;
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે.
પદના શબ્દો ઘણું કહી જાય છે. વાચક મિત્રો, આ સંદેશને જીવનમાં જરૂર સ્થાન આપી જીવનને સુવાસિત બનાવીએ.
કારણ કેપ સંવેદના વ્યક્તિમાં અર્પણ, દર્પણ, અને સમર્પણથી જાગે છે.