પાલીતાણામાં ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાનો વિજય થતા પાલીતાણા રેલ્વે ફાટકથી વિજય સરઘસ આતીશબાજી, ડીજે સાથે કાઢવામાં આવ્યું હતું. આ ઝુલુસમાં ભાજપના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત ભાજપના હોદ્દેદારો-કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા. આ ઝુલુસ પાલીતાણા રેલ્વે ફાટકથી બજરંગદાસ ચોક બસ સ્ટેશન રોડ થઈ આંબેડકર ચોક થઈ ભૈરવનાથ ચોક થઈ પાલીતાણાના મુખ્ય માર્ગ મેઈનબજાર થઈ પાલીતાણા શહેરમાં ફર્યુ હતું. આ સીટ ગત પાંચ વર્ષથી કોંગ્રેસના ફાળે હતી પણ આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડને હરાવીને ભાજપના ભીખાભાઈ બારૈયાનો વિજય થયો છે. કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિવાદોના કારણે પ્રવિણભાઈ રાઠોડને હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસમાં ઘણા સમયથી પ્રદેશ મંત્રી હયાતખાન બલોચ પણ નિષ્ક્રિય હતા તેમજ શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, નગરપાલિકાના ૭ કોર્પોરેટરો તેમજ શહેર સમિતિ તેમજ કોંગ્રેસની જુદી જુદી પાખોના પ્રમુખો સહિતના કોંગ્રેસી આગેવાનો સતત નિષ્ક્રિયતાના કારણે કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડની હાર થઈ હોવાનું મનાઈ રહ્યું છે.