ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વનડે સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડમાં પણ વનડે સીરીઝ જીતી ઈતિહાસ રચ્યો, જોકે તે ટી૨૦ સીરીઝ જીતવામાં અસફળ રહી. હવે ટીમ ઈન્ડિયાને હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે અને ટી૨૦ સીરીઝ રમવાની છે, જેની શરૂઆત ૨૪ ફેબ્રઆરીથી થવાની છે. આ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયા ટીમ ૨ ટી૨૦ અને ૫ વનડે મેચોની સીરીઝ રમશે. સીરીઝથી પહેલા અહેવાલ આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા રોહિત શર્માને આરામ આપી શકે છે.
બીજી તરફ, કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર મેદાન પર ઉતરી શકે છે. એક અહેવાલ મુજબ, રોહિતના સ્થાને ટેસ્ટ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેને તક મળી શકે છે. તે છેલ્લા એક વર્ષથી વનડે ટીમથી બહાર છે. છેલ્લીવાર તે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે મેચ રમ્યો હતો. બીજી તરફ, ટીવી શોમાં થયેલા વિવાદ બાદ ટીમથી સસ્પેન્ડ થયેલા કેએલ રાહુલને પણ ટીમ ઈન્ડિયામાં ફરી એકવાર સ્થાન મળી શકે છે.
ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટી૨૦ અને વનડે સીરીઝમાં જસપ્રીત બુમરાહને તક મળવાની શક્યતા છે. બુમરાહને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયા નવેમ્બરથી સતત રમી રહી છે. એવામાં બીસીસીઆઈએ સીરીઝમાં કેટલાક સિનિયર બોલર્સને આરામ આપવાનો નિર્ણય કર્યો છે સાથોસાથ શમી અને ભુવનેશ્વર કુમારને પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આરામ આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વનડે સીરીઝમાં ધોનીનું રમવું નક્કી જ છે બીજી તરફ દિનેશ કાર્તિક અને રિષભ પંત બંનેને તક મળી શકે છે. વિજય શંકરે પણ પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા છે તો તેને વધુ તક મળી શકે છે.