આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મંગળવારે મહિલા આંતરરાષ્ટ્રીય ટી-૨૦ બેટ્સમેનોની રેન્કિંગ જાહેર કરી. બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય ખેલાડી જેમિમાહ રોડ્રિગેજ ૭૩૭ રેટિંગની સાથે બીજા અને સ્મૃતિ મંધાના ૬૯૩ રેટિંગની સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડમાં ત્રણ મેચોની ટી૨૦ સિરીઝમાં શાનદાર પ્રદર્શનને કારણે બંન્નેને ૪-૪ સ્થાનનો ફાયદો થયો છે. ટોપ-૧૦ બેટ્સમેનોમાં હરમનપ્રીત કૌર પણ સામેલ છે. તે ૬૮૭ રેટિંગની સાથે સાતમાં સ્થાને છે. ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સ ૭૬૫ રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. હાલમાં ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝ ૩-૦થી ગુમાવી હતી. સિરીઝમાં મંધાનાએ ભારત તરફથી સૌથી વધુ ૧૮૦ રન બનાવ્યા હતા, જ્યારે રોડ્રિગેજે ૧૩૨ રન બનાવ્યા હતા. મંધાનાએ સિરીઝના ત્રીજા મેચમાં ૮૬ રન ફટકાર્યા હતા. આ સિરીઝમાં ક્લીન સ્વીપથી હાર્યા છતાં ભારતીય ટીમ ૨૫૨ પોઈન્ટ સાથે પાંચમાં સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડ બીજા અને ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે.
સ્મૃતિ મંધાના વનડે બેટ્સમેનોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેની સાથે ભારતીય કેપ્ટન મિતાલી રાજ પણ ટોપ ૧૦માં સામેલ છે. મિતાલી ન્યૂઝીલેન્ડની કેપ્ટન સૈદરવેટની સાથે સંયુક્ત રીતે ચોથા સ્થાને છે. બંન્નેના ૬૬૯ રેટિંગ પોઈન્ટ છે.
આંતરરાષ્ટ્રીય ટી-૨૦ બોલરોના રેન્કિંગમાં બે ભારતીય મહિલાઓ છે. સ્પિનર રાધા યાદવ ૧૮ સ્થાનની છલાંગ લગાવતા ૧૦માં સ્થાને પહોંચી ગઈ છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝમાં ૪ વિકેટ ઝડપી હતી. પૂનમ યાદવ ૭૦૭ રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે. આ સિવાય દીપ્તિ શર્માએ પાંચ સ્થાનનો ફાયદો લેતા કરિયરની સર્વશ્રેષ્ઠ ૧૪મી રેન્કિંગ હાસિલ કરી છે.