રાજધાની દિલ્હીના કરોલબાગ સ્થિત હોટલ અર્પિત પેલેસમાં આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભીષણ આગ લાગી હતી, જેમાં સાત પુરુષ, મહિલાઓ અને એક બાળક સહિત કુલ ૧૭ લોકોનાં મોત થયાં છે. હોટલમાં આગ લાગ્યા બાદ જીવ બચાવવા માટે ત્રણ લોકો ચોથા માળેથી કૂદી ગયા હતા, જેમાંથી એકનું મોત થયું છે અને બાકીના બેની હાલત ખૂબ ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોટાભાગના લોકોનાં મોત ધુમાડામાં ગૂંગળાઈ જવાના કારણે થયાં છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ૩૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ સુધી જોકે આગ લાગવાના ચોક્કસ કારણોની જાણ થઈ શકી નથી. ફાયરબ્રિગેડના ડેપ્યુટી ચીફ સુનીલ ચૌધરીના જણાવ્યા અનુસાર, હોટલ અર્પિત પેલેસમાંથી નવ લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
નવી દિલ્હીના પોશ એરિયા કરોલબાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસ ખૂબ જાણીતી છે. વહેલી સવારે આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ૩૦ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાનું કામ શરૂ કરી દીધું હતું. ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હોટલમાં લાગેલી આગ ખૂબ ભયંકર હતી. આગ લાગી તે સમયે હોટલમાં મોટાભાગના લોકો ગાઢ નિદ્રા માણી રહ્યા હતા અને શ્વાસ ગૂંગળાઈ જવાથી તેમનું ઊંઘમાં જ મોત થયું હતું. હોટલમાં ૬૫ રૂમ છે અને આગ જોતજોતામાં સમગ્ર હોટલમાં પ્રસરી ગઈ હતી. કેરળથી ફરવા આવેલા એક જ પરિવારના સાત સભ્યોને ફાયરબ્રિગેડે બચાવી લીધા હતા.
હોટલમા કુલ ૬૫ રૂમો છે અને જ્યારે આગ લાગી ત્યારે હોટલમાં ૧૨૦ લોકો રોકાયા હતા.જેમાં ૩૦ વ્યક્તિઓ હોટલનો સ્ટાફ હતો. ફાયર બ્રિગેડે ૩૫ લોકોને જીવતા કાઢ્યા છે. હોટલ એસી હોવાથી બારી બારણા બંધ હતા અને ધૂમાડા માટે બહાર નીકળવાની જગ્યા પણ નહોતી.મોટાભાગના લોકોએ ધૂમાડાના કારણે જીવ ગુમાવ્યો હતો.કેટલાકે ચોથા ફ્લોર પરથી કૂદીને અથવા તો તાર પરથી લટકીને નીચે ઉતરવાની કોશિશ પણ કરી હતી.
પોલીસે હોટલ માલિક સામે બેદરકારીનો કેસ કર્યો છે.બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા આ દુર્ઘટનાના પગલે દિલ્હીમાં સરકારના ચાર વર્ષ પુરા થવા નિમિત્તે થનારી ઉજવણી રદ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ નોઈડાના સેક્ટર-૧૨ સ્થિત મેટ્રો હાર્ટ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. એ આગમાં જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગમાં ફસાયેલા કેટલાંક દર્દીઓ અને તેમના સગાંઓને બિલ્ડિંગના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયરબ્રિગેડે સતત બે કલાક સુધી મહેનત કર્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દિલ્હીની આગની આ ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને દિલ્હી અગ્નિકાંડના મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી શુભકામના વ્યક્ત કરી હતી.