રાહુલ દ્રવિડ જૂનિયર ટીમના કોચ બન્યા બાદ ભારતીય ક્રિકેટને મળેલી સફળતાના બધા સાક્ષી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેનાથી પ્રેરિત થઈને પોતાના પૂર્વ ખેલાડીઓને વિભિન્ન ઉંમર વર્ગની ટીમોના કોચ અને મેનેજર બનાવવા વિશે વિચારી રહ્યું છે.
જાણવા મળી રહ્યું છે કે, પૂર્વ કેપ્ટન યૂનુસ ખાનને અન્ડર-૧૯ ટીમના કોચ અને મેનેજર બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે ક્રિકેટને અલવિદા કહેનારા યૂનુસે ટેસ્ટમાં ૧૦ હજાર રન બનાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, પોતાનો કાર્યક્રમ લાગૂ કરવાની છૂટ મળે તો તેઓ જૂનિયર ટીમના કોચ બની શકે છે.
પીસીબી અધ્યક્ષ અહસાન મનીએ કહ્યું, ઓસ્ટ્રેલિયાએ રોડની માર્શ, એલન બોર્ડર અને રિકી પોન્ટિંગ જેવા ખેલાડીઓની સેવાઓ લીધી છે. ભારતે પણ રાહુલ દ્રવિડને અન્ડર-૧૯ ટીમની જવાબદારી સોંપી અને પરિણામ સારૂ રહ્યું છે.
દ્રવિડ કોચ બન્યા બાદ ભારતીય અન્ડર-૧૯ ટીમે ગત વર્ષે વિશ્વકપ જીત્યો હતો. મનીએ લાહોરમાં પત્રકારોને કહ્યું કે, બોર્ડે યુવાઓ સાથે કામ કરવા માટે પૂર્વ સીનિયર ખેલાડીઓની સેવાઓ લેવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું, આપણે આપણા ખેલાડીઓને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં તૈયાર કરવા પડશે. તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરે છે.
અમારે વિદેશી કોચોની સાથે ભારતની જેમ અમારા કોચોને પણ સાથે લેવા પડશે.