૩૯૯ કરોડના બોગસ બિલીંગમાં ભાવનગરનાં મુનાફ શેખની ધરપકડ : કોર્ટે જેલ હવાલે કર્યો

958

ભાવનગર ખાતેના મજુરી કામ કરતા લોકો પાસેથી આધારકાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજો મેળવીને ગરીબ લોકોને લોન આપવા બાબતના પ્રલોભનો તથા રોકડ રકમ આપીને દસ્તાવેજની નકલો શેખ મુનાફ અબ્દુલ રશીદભાઈ ઉર્ફે મુના પાંપણ ભાવનગર દ્વારા મેળવવામાં આવેલ હતા. ત્યારબાદ અન્ય વ્યક્તિ મહંમદ નાસિર હુસૈન કેશવાણી ઉર્ફે મંહમદ ચિકન સાથે મેળાપીપણામાં આવા આધાર પૂરાવા અને દસ્તાવેજો એકઠા કરીને બંને દ્વારા ગાંધીધામ ખાતે એન.બી.એન્ટરપ્રાઈઝના નામથી સુરત ખાતે અનમોલ સેલ્સ કોર્પોરેશનના નામથી અને રાજકોટ ખાતે જે.એમ. ઈમ્પેક્ષના નામથી જી.એસ.ટી. કાયદા અન્વયે નોંધણી નંબરો મેળવેલ હતા. જેમા એન.બી.એન્ટરપ્રાઈઝ ગાંધીધામના કેસમાં રૂા.૧૦૧ કરોડના બોગસ બીલો ઈસ્યુ કરેલ, અનમોલ સેલ્સ કોર્પોરેશન સુરતના કેસમાં રૂા.૧૬૬ કરોડના તથા જે.એમ.ઈમ્પેક્ષ રાજકોટના કેસમાં ૧૩૨ કરોડના વ્યવહારો મળીને કુલ ૩૯૯ કરોડના બોગસ બિલીંગના વ્યવહારો કરેલા હતા. જેથી અન્ય વેપારીઓને રૂા.૬૦ કરોડની તબદીલ કરવા માટે આ વ્યક્તિઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવેલ હતા.

આથી તા.૦૭-૨-૨૦૧૯ના રોજ અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ અને સુરત ખાતે તપાસો કરવામાં આવેલ આ બન્ને વ્યક્તિઓ દ્વારા નોંધણી નંબર મેળવતી વખતે ખોટા પુરાવાઓ રજુ કરેલ હતા જેથી તપાસ દરમિયાન અમદાવાદ, ગાંધીધામ રાજકોટ અને સુરત ખાતે કોઈ વેપારી કે ધંધાનું સ્થળ મળી આવેલ ન હતા. જેથી એન.બી.એન્ટરપ્રાઈઝ, જે.એમ.ઈમ્પેક્ષ અને અનમોલ સેલ્સ કોર્પોરેશનનીભાવનગરની બેંક ખાતાની વિગતો પરથી આ પેઢીના માલિકોના ભાવનગરના રહેઠાણની વિગતો મેળવી તપાસ કરવામાં આવેલ જેમાં તમામ વ્યક્તિઓએ આપેલ નિવેદન મુજબ તેઓના દસ્તાવેજોનો દુર ઉપયોગ કરીને નોંધણી નંબર મેળવેલ છે. તેમના દ્વારા કોઈ ધંધાકીય વ્યવહારો કરેલ નથી અને નિવેદનમાં જણાવેલ છે કે તેઓએ આ દસ્તાવેજો શેખ મુનાફ અબ્દુલ રશીદભાઈ ઉર્ફે મુના પાંપણ અને મહંમદ નાસિર હુસૈન કેશવાણી ઉર્ફે મંહમદ ચિકનને આપેલ હતા જેઓએ દસ્તાવેજનો દુર ઉપયોગ કરી નોંધણી નંબર મેળવી રૂા.૩૯૯ કરોડના બોગસ બીલીંગના વ્યવહારો કરેલ હતા જેમા રૂા.૬૦ કરોડની વેરાની રકમ પણ સંડોવાયેલ હતી. આથી ગુજરાત માલ અને સેવા કર અધિનીયમની જોગવાઈઓ ધ્યાને લઈને તા.૧૨-૨-૨૦૧૯ના રોજ રાત્રે શેખ મુનાફ અબ્દુલ રશીદભાઈ ઉર્ફે પાંપણની સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર, વિભાગ-૯ ભાવનગરની ટીમ તથા સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર, વિભાગ ૧૧ રાજકોટની ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીને કોર્ટમાં રજુ કરતા તેઓને ભાવનગર ખાતેની જેલમાં મોકલવામાં આવેલ છે અન્ય વ્યક્તિને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે તેમ જણાવેલ.

Previous articleજાલીનોટનાં બન્ને આરોપી જેલ હવાલે
Next articleયુવા હૈયાઓ ઉજવશે વેલેન્ટાઈન-ડે