વીએચપી અને બજરંગદળ દ્વારા વેલેન્ટાઇન-ડેનો વિરોધ

597

રિવરફ્રન્ટમાં બેઠેલા પ્રેમી-પંખીડાઓને માર મારવાની તેમજ તેમના પર ઈંડા-ટામેટા ફેકવા જેવી ઘટનાઓ ભૂતકાળમાં અનેક વખત બનેલી છે ત્યારે ૧૪મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન-ડેના દિવસે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ ફરીથી વિરોધ કર્યો હતો. ભારતની સંસ્કૃતિને બચાવવા અને તેમની ઓળખ, સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, જયશ્રીરામ સે-નો વેલેન્ટાઈન જેવા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસે ૧૫ કાર્યકરોની અટકાયત કરી છે. વાડજથી લઈ એનઆઈડી સુધી તેમજ રિવરફ્રન્ટ પાર્ક પાસે બંદોબસ્ત ગોઠવાયો હતો. સવારથી જ પોલીસે ગાર્ડનમાં કોઈપણ યુવક-યુવતીને જવા દીધા ન હતા.

અમદાવાદ પોલીસે ઉસ્માનપુરા ખાતે આવેલો રિવરફ્રન્ટ ગાર્ડન ખાલી કરાવ્યો હતો. સાથે જ અહીં બજરંગદળના કાર્યકરોએ વેલેન્ટાઈન ડે નહીં મનાવવાને લઈને પત્રિકા વિતરણ કરી હતી. આ સાથે જ બજરંગદળના કાર્યકરો પણ ઉસ્માનપુરા ખાતે આવેલા ગાર્ડનમાં પહોંચી ગયા હતા અને અહીં હાજર યુગલોને પત્રિકા વહેંચી હતી તેમજ તેમને વેલેન્ટાઇન ડેની ઉજવણી નહીં કરવા માટે સમજાવ્યા હતા.

પોલીસ તેમજ બજરંદ દળની હાજરીને કારણે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે એકઠા થયેલા અમુક યુગલો દીવાલો કૂદીને ભાગ્યા હતા.

દર વર્ષે વેલેન્ટાઈન-ડેના દિવસે બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતો હોય છે. જેના પગલે આ વર્ષે આવો વિરોધ ન થાય તેના અગમચેતીના પગલા રૂપે રિવરફ્ન્ટ પર સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Previous articleઓસ્ટ્રેલિયા સામે શ્રેણી માટે આજે ટીમની ઘોષણા
Next articleઅમે અંહિસાનો માર્ગ પકડ્યો, જીવતા પશુઓની નિકાસ બંધ કરી : રૂપાણી