આજે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ટીમ હેલ્થમાં નવા જોડાઈ રહેલા ૧૪૬૬ સ્ટાફ નર્સને નિમણૂંકપત્રો એનાયત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે, આરોગ્ય વિભાગ એ પ્રજાની સેવા કરવાનો પ્રજાલક્ષી વિભાગ છે ત્યારે આપ સૌને દર્દીઓની સેવા કરવાની રાજય સરકારે જે તક આપી છે તેને સુપેરે નિષ્ઠાથી નિભાવીને સમાજમાં જેમ શિક્ષકોનું માન છે એ રીતે નર્સોનું પણ માન વધે તેવા પ્રયાસો કરશો. તેમણે કહ્યું કે, આગામી સમયમાં નવા ૧૦૦૦ સ્ટાફ નર્સની નિમણૂંક પણ રાજય સરકાર દ્વારા કરાશે. રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ વિભાગોમાં વિવિધ કેડરોમાં ૧ લાખથી વધુ કર્મચારીની ભરતી કરી છે.
નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, છેવાડાના નાગરિકોને તાત્કાલિક તથા ઘરઆંગણે જ સારવાર મળી રહે તે માટે રાજય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યાં છે ત્યારે નવનિયુક્ત સ્ટાફ નર્સો દર્દીઓને સારી સારવાર થકી રાજય સરકારની પ્રતિષ્ઠાના એમ્બેસેડર બની આગવી ભૂમિકા અદા કરે તે જરૂરી છે.
રાજયના સાડા છ કરોડથી વધુ નાગરિકોને સમયસર અને ઝડપી સારવાર પૂરી પાડવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે ત્યારે, રાજયની મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ નર્સોની નિમણૂંક કરી છે તે ચોકકસ આશિર્વાદરૂપ નિવડશે. ભૂતકાળમાં આરોગ્ય વિભાગનું મર્યાદિત બજેટ હતું, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવાકીય ક્ષેત્રે પ્રાધાન્ય આપીને આરોગ્ય વિભાગને માતબર બજેટ ફાળવીને દીર્ઘ આયોજન કર્યું છે. જેના પરિણામે આજે મેડિકલ બેઠકોમાં વધારાની સાથે હોસ્પિટલો વધી છે.
આરોગ્ય કમિશનર ડો. જયંતિ રવિએ નવનિયુક્ત સ્ટાફ નર્સને આવકારતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં ભરતી કરાય છે ત્યારે, આપ પણ નાગરિકોની સેવા કરવામાં નિષ્ઠાથી આગળ વધશો. તેમણે કહ્યું કે, લોકોના વર્તન, વિચાર અને વ્યવહારમાં પરિવર્તન લાવવા આપણે સૌએ પ્રયત્નશીલ રહેવું પડશે. તેમણે રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ તથા નાગરિકોને સમયસર સારવાર મળે તે માટે સ્ટાફ નર્સને સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.