પોખરણમાં એરફોર્સનું શક્તિ પ્રદર્શન

531

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ હાલમાં પોખરણ ખાતે ભારતીય હવાઈ દળ દ્વારા વાયુ શક્તિ ૨૦૧૯ પ્રદર્શન ચાલી રહ્યું છે. હવાઈ દળના શક્તિ પ્રદર્શનથી પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી રહી છે. પાકિસ્તાનની સરહદ નજીક જ વાયુ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુદ્ધ વિમાનો મોટાપાયે ભાગ લઈ રહ્યા છે. એકબાજુ દેશમાં પાકિસ્તાન સામે પુલવામા હુમલા બાદ કાર્યવાહી કરવા જોરદાર માંગ ઉઠી રહી છે ત્યારે એરફોર્સની શક્તિના પ્રદર્શન માટે આયોજિત આ કવાયત અનેક સંકેત આપી રહી છે. ૮૧ ફાઈટર જેટ સહિત આશરે ૧૩૭ વિમાનો આ કવાયતમાં પોતાના પરાક્રમો દર્શાવી રહ્યા છે. એરફોર્સના સૌથી મોટા શક્તિ પ્રદર્શન તરીકે આને જોવામાં આવે છે. વાયુ શક્તિ ત્રણ વર્ષમાં એક વખત યોજવામાં આવે છે. મિગ, જગુઆર, એસયુ-૩૦, તેજસ અને મિરાજ-૨૦૦૦ સહિતના વિમાનો આમાં ભાગ લઈ રહ્યા છે. વાયુ શક્તિના ભાગરૂપે દિલધડક પરાક્રમો દર્શાવવામાં આવી રહ્યા છે. આઈએએફના વાઈસ ચીફ માર્શલ અનિલ ખોસલાએ કહ્યું છે કે જુદા જુદા પ્રકારના હથિયારોની ચકાસણી થઈ રહી છે. બોમ્બ, સ્માર્ટ હથિયારો, જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવા હથિયારો અને હવાથી હવામાં પ્રહાર કરી શકે તેવા હથિયારોની ચકાસણી થઈ રહી છે. પ્રથમ વખત વાયુ શક્તિ ૨૦૦૦ દ્વારા મિગ-૨૯ અપગ્રેડ કરવામાં આવેલા વિમાનોને સામેલ કરાયા છે. પ્રથમ વખત આનું આયોજન નવી દિલ્હીમાં ૧૯૫૩માં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્રણ વષમાં એક વખત આનું આયોજન થાય છે. પુલવામામાં આતંકવાદી હુમલા બાદ આ કવાયતને  ખૂબ ખતરનાક સંકેત તરીકે જોવામાં આવે છે. દેશભરમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓ સામે કાર્યવાહી માટેની માંગ ઉઠી રહી છે.  ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે તમામ પ્રકારના યુદ્ધ વિમાનોની ચકાસણી કરવામાં આવ્યા બાદ આનો ઉપયોગ પણ થઈ શકે છે. હવાઈ હુમલાના વિકલ્પને સૌથી અસરકારક વિકલ્પ તરકે પણ ગણવામાં આવે છે. જેના ભાગરૂપે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી અડ્ડાઓ, તેમના સ્થળો, લોન્ચપેડને ફુંકવામાં આવી શકે છે અને મોટી સફળતા હાથ લાગી શકે છે.

Previous articleસરકાર ઈશારો કરે તો દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા અમે તૈયાર : એરફોર્સ ચીફ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે