ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કેવડિયામાં વિશ્વની સહુથી વિરાટ સરદાર પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાંન્નિધ્યાં રમણીય ટેન્ટ સિટી ખાતે રાજ્ય ચૂંટણી પંચના યજમાનપદે યોજાયેલી દેશના વિવિધ રાજ્યો અને સંધપ્રદેશોના રાજ્ય ચૂંટણીપંચોના કમિશનરોની ર૮મી અખિલ ભારતીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. લોકશાહીનું આમૂલાગ્ર મજબૂતીકરણ અને મતદાર જાગૃતિ વિષયક આ પરિષદમાં દેશના ૨૨ રાજ્યોના રાજ્ય ચૂંટણી પંચના કમિશનર અને અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.રાજ્યપાલ સાથે પરિષદના દીપ પ્રાગટ્યમાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંધ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના વડા અને પરિષદ આયોજન સમિતિના અધ્યક્ષ ડૉ.વરેશ સિંહા તથા પરિષદ આયોજન સમિતિના સચિવ અને દિલ્હીના ચૂંટણી પંચના વડા એસ.કે.શ્રીવાસ્તવ તથા મહાનુભાવો જોડાયા હતા. રાજ્યપાલે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતા સ્વેપના દસ્તાવેજનું અને સને ર૦૧૮ના આંકડાકિય અહેવાલનું આ પ્રસંગે વિમોચન પણ કર્યું હતું.વિશાળ ભારત દેશમાં ૩ લાખથી વધુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને ૩૦ લાખ જેટલા તેમાં નિર્વાચીત પ્રતિનિધિઓ છે તેનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલી આ ૨૮મી પરિષદનું વિચાર મંથન દેશમાં ચૂનાવી પ્રક્રિયાને વધુ સમાવેશક બનાવવામાં ઉપયોગી નિવડશે અને તેના પરિણામે મહિલાઓ, યુવા સમુદાય, દિવ્યાંગજનો અને સીમાંત સમુદાયો સહિત તમામ જાતિ અને વર્ગોને સમાન પહોંચની વધુ ખાત્રી મળશે. તેમણે આ પરિષદ યોજવા માટે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને વિશેષ અભિનંદન આપ્યા હતા.રાજ્યપાલે જણાવ્યું કે, દેશમાં છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું અને તેના પ્રતિનિધિઓ પસંદ કરવાની નિર્વાચન પ્રક્રિયાનું નોંધપાત્ર મજબૂતીકરણ થયું છે.
આ સંસ્થાઓમાં મહિલા પ્રતિનિધિઓના નિર્વાચન માટે આરક્ષણની જોગવાઇ એક અગત્યનું સીમાચિન્હ છે. જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે અને શાસનમાં તેમની સહભાગીદારી સુનિતિ થઇ છે. તેમણે જણાવ્યું કે, મતદાન યંત્રોનો ઉપયોગ, નોટાની જોગવાઇ, ચૂંટણીઓના પ્રબંધનની પ્રક્રિયા અને વ્યવસ્થાની વધુ સંવર્ધિત પદ્ધતિ, વધુ પારદર્શક ચૂંટણી પ્રક્રિયાઓની દિશામાં અનેક નવી પહેલો વિવિધ રાજ્યોના ચૂંટણી પંચોએ કરી છે, જે સરાહનિય છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નિર્વાચન પ્રક્રિયામાં મતદારોની સહભાગીદારી વધારવા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની અનેકવિધ પહેલોની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે સને ર૦૧પમાં ગુજરાત રાજ્યમાં સ્ટેટ વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ (સ્વેપ-રાજ્ય મતદાર જાગૃતિ કાર્યક્રમ) આ દિશાની એક નિર્ણાયક પહેલ છે. મને વિશ્વાસ છે કે અન્ય રાજ્યોના ચૂંટણી પંચોએ પણ લોકશાહીને અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને તૃણમૂલ સ્તરેથી મજબૂત કરતા આવી એકથી વધુ પહેલો અમલમાં મૂકી છે.રાજ્યપાલ કોહલીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ તૃણમૂલ સ્તરેથી લોકશાહી સંસ્થાઓના વિકાસની અને ગ્રામ સ્વરાજની ભલામણ કરી હતી. સ્વતંત્રતા પછી ભારત, લોકોને મતાધિકાર દ્વારા પોતાની પસંદગીની સરકાર બનાવવાની વ્યવસ્થા ધરાવતો વિશ્વનો સહુથી મોટો લોકશાહી દેશ બન્યો. તેના ૪૨ વર્ષ પછી બંધારણમાં ૭૩ અને ૭૪માં ઐતિહાસિક અને ક્રાંતિકારી સુધારા થયા અને તેના પગલે પંચાયત જેવા છેક પાયાના સ્તરે લોકો દ્વારા નિર્વાચીત પ્રતિનિધિઓ દ્વારા વહિવટની ખાત્રી મળી. હજારો વર્ષોથી આપણા ઇતિહાસ સાથે સ્થાનિક શાસનની વ્યવસ્થા વણાયેલી હતી. આ બંધારણીય સુધારાથી એ ભાવનાનો વૈધાનિક વ્યવસ્થા તરીકે સ્વીકાર થયો તેનો મને આનંદ છે.
તેમણે આ પરિષદ ભારત માટે એક આઇકોનિક પ્રોજેક્ટ બની ગયેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાંન્નિધ્યમાં યોજાઇ તેનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, તાજેતરમાં જ વિરાટ સરદારની વિરાટ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને લોકાર્પિત કરી હતી. ૫૬૫ દેશી રજવાડાઓના વિલિનિકરણ દ્વારા ભારતને એક સૂત્રે બાંધનારા મહામાનવને તેમણે આદરાંજલિ આપી હતી.