વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. મોદીએ ૩૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની બિહારને ભેંટ આપી હતી. પુલવામા હુમલાનો ઉલ્લેખ મોદીએ કર્યો હતો. શહીદોને શ્રદ્ધાંજલિ આપતા મોદીએ આજે સતત ત્રીજા દિવસે પણ કહ્યું હતું કે, જે આગ સામાન્ય લોકોના દિલમાં છે તે જ આગ તેમના પોતાના દિલમાં પણ છે. પુલવામા હુમલાએ દરેકને હચમચાવી મુક્યા છે. મોદી જ્યારે બિહારના બરોની જિલ્લામાં વિકાસ યોજનાઓના શિલાન્યાસ માટે પહોંચ્યા ત્યારે તેની ગુંજ સાંભળવા મળી હતી. મોદીએ મંચથી શહીદ જવાનોને યાદ કર્યા હતા. શહીદોમાં સામેલ બિહારના જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, તેઓ દેશવાસીઓને ખાતરી આપવા માંગે છે કે, હુમલાખોરોને યોગ્ય સજા આપવામાં આવશે. કોઇને છોડવામાં આવશે નહીં. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફ કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. બિહારના બે જવાનો પણ આમા સામેલ હતા જેમાં પટણાના મસોડી નિવાસી સંજયકુમાર સિંહા અને ભાગલપુરના રત્નકુમાર ઠાકુરનો સમાવેશ થાય છે. મોદીએ શહીદોને નમન કરતા કહ્યું હતું કે, દેશવાસીઓના દિલમાં શું ચાલી રહ્યું છે તેનો અનુભવ તેઓ કરી રહ્યા છે. આજે મોદીએ ૧૩૩૬૫ કરોડ રૂપિયાના ખર્ચથી બનનાર પટણામાં મેટ્રો રેલ યોજનાની આધારશીલા મુકી તી. સાથે સાથે આશરે એક ડઝન યોજનાઓનું ઉદ્ઘાનટ કર્યું હતું. કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદી પટણાના શહેરી ક્ષેત્રોમાં ૩૨૦૦ વર્ગ કિમીમાં ૯.૭૫ લાખ ઘરમાં પીએનજી અને વાહનો માટે સીએનજી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. સુલ્તાનગંજ અને નવગછિયામાં શિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોદીએ જુદા જુદા સ્થળો માટે ૧૪૨૭.૧૪ કરોડ રૂપિયાના ખર્ચથી ૨૨ અટલ નવીનીકરણ અને શહેરી પરિવર્તન મિશન યોજનાના શિલાન્યાસ કર્યા હતા. મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કર્યો તો અને કહ્યું હતું કે, દેશના લોકોની ભાવનાને માન આપીને સરકાર આગળ વધી રહી છે. તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. અપરાધીઓ ગુપ્ત સ્થળે હશે તો પણ છોડાશે નહીં. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે બિહારને અનેક યોજનાઓની ભેંટ આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, બિહારના લોકો લાંબા સમયથી આ તમામ માંગ કરી રહ્યા હતા. પટણામાં મેટ્રો રેલની સુવિધાથી લોકોને ફાયદો થશે. અન્ય વિકાસની યોજનાઓથી જીવન ધોરણ સુધરશે. નવી નવી યોજનાઓથી રોજગારીની વ્યાપક તકો સર્જાશે. બિહારમાં એમ્સની પણ શરૂઆત થઇ રહી છે જેથી લોકોને સારવાર માટે બહાર જવાની જરૂર નહીં પડે. મોદીએ સંબોધનમાં આયુષ્યમાન ભારતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, લાખો લોકો આ યોજનાનો લાભ લઇ ચુક્યા છે. બિહારમાં પણ ૧૨૦૦૦થી વધુ લોકોએ લાભ લીધો છે.
ઝારખંડ : અનેક યોજનાઓની વડાપ્રધાન મોદી દ્વારા શરૂઆત
હઝારીબાગ : ઝારખંડના હઝારીબાગ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જનસભા દરમિયાન પુલવામા ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. શહીદ જવાનો અને તેમના પરિવારોને નમન કરીને હાલમાં દેશમાં લોકોના દેખાવોને લઇને પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હુમલાના દોષિતોને છોડવામાં આવશે નહીં. મોદીએ આ ગાળા દરમિયાન હજારીબાગ, ડુમકા અને પલામુ મેડિકલ કોલેજના ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ૫૦૦ બેડવાળી ચાર હોસ્પિટલ સહિત રાજ્યના વિકાસ સહિત રાજ્યની અનેક વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, ઝારખંડની ધરતી ક્રાંતિની ધરતી છે. ક્રાંતિવીરોની ધરતી છે. તેઓ આ ધરતીના સપૂત શહીદ વિજય સોરેનને શ્રદ્ધાંજલિ આપે છે. તેઓ ગુમલામાં રહેલા તેમના પરિવારને પણ નમન કરે છે. તેમના બાળકો ખુબ હિંમતપૂર્વક આ કટોકટીનો સામનો કરી રહ્યા છે. એક કટિબદ્ધ રાષ્ટ્રની દ્રષ્ટિએ દરેક સ્તર એક વાલીની જેમ તેમના પરિવારની સુરક્ષા કરવાની જવાબદારી છે. આ પ્રસંગે મોદીએ લોકોને વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી આપી હતી. ઝારખંડ સહિત દેશના તમામ આદિવાસી ક્ષેત્રોમાં એક લવ્ય મોડેલ સ્કુલ કોલેજો ખોલવામાં આવી રહ્યા છે. આચાર્ય વિનોભાભાઈ યુનિવર્સિટીના સેન્ટર ફોર ટ્રાઇબલ્સ અભ્યાસમાં પણ જુદી જુદી સુવિધાઓ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે, ઝારખંડમાં જે કામ થયું છે તેને ગતિ આપવા માટે તેઓ પહોંચ્યા છે. મેડિકલ કોલેજ, બિલ્ડિંગો, હોસ્પિટલ, એન્જિનિયરિંગ કોલેજ, પાણીની સમસ્યાથી મુક્તિ અપાવતી પાઈપલાઈન, નનામી ગંગે પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણથી અહીંની મૂળભૂત સુવિધાઓ વધતા લોકોને લાભ થશે.