મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે અને ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રૂપિયા ૧૬૯.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૨૪૮૯ ઈડબલ્યુએસ-૦૧ આવાસોના કામોનું ખાતમુહુર્ત અને લાભાર્થીઓનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો તેમજ રામમંત્ર મંદિર પાસે રૂપિયા ૦૭ કરોડના ખર્ચે, ગઢેચી નદી પર રૂપિયા ૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા પુલના કામોની તક્તીનું અનાવરણ કરાયુ હતુ.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતું કે દરેક વ્યક્તિનું પોતાનું એક સ્વપ્ન હોય છે કે તેને પોતાની માલીકીનું ઘર હોય તેમનું આ સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમા છે અને આજે અહીં બેઠેલા લોકો કે જેમણે ફોર્મ ભરેલ હશે તેમાંથી ૨૪૮૯ લોકોને પોતાની માલીકીનું બે રૂમ રસોડુ, સંડાસ, બાથરૂમ, નળ કનેકશન, ગેસ કનેકશન સહિતની સુવિધાવાળુ, ૩૨૫ ચોરસફૂટ બાંધકામવાળુ મકાન પારદર્શક એવી ડ્રો સીસ્ટમમાં રૂપિયા ૦૩ લાખમાં મળશે
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે દેશની સુરક્ષા માટે તૈનાત જવાનો પર આતંકવાદીઓ દ્વારા કાયરતાપુર્ણ ક્રુત્ય કરાયુ છે તેમ કહી શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યુ હતું કે જે લોકોને ડ્રોમાં ઘર પ્રાપ્ત થાય તે લોકોએ ઘર મળ્યા બાદ તેની સારસંભાળ દેખરેખ રાખવી જોઈએ.
મંત્રીએ કોમ્પ્યુટરની કી દબાવી અને ઉપસ્થિત લાભાર્થીઓ માટે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરી અને ડ્રોમાં સફળ થયેલાં ૦૭ લાભાર્થીઓના નામો જાહેર કર્યા હતા. કુલ ફોર્મ ભરેલાં ૫૩૮૩ લાભાર્થીઓ પૈકી કુલ સફળ એવાં ૨૪૮૯ લાભાર્થીઓને આ ડ્રો અંતર્ગત તેમના આપેલા મોબાઈલ નંબર પર મહાનગપાલિકા દ્વારા મેસેજ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, કમિશનર એમ. એ. ગાંધી, નાયબ મ્યુ. કમિશનર એન. ડી. ગોવાણી, કાર્યપાલક ઈજનેરી સુરેશભાઈ ગોધવાણી, મુકુંદભાઈ મક્વાણા, ઈન્ચાર્જ સીટી ઈજનેર કુકડીયા, ઈ. ડી. પી. મેનેજર વી. ડી. પરમાર, પુર્વ મેયર અને નગરસેવિકા નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતાં.