રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે આવેલા ગોમટા ગામે એક પરિણીતાને સાસુ સસરાએ જીવતી સળગાવી હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે તેને સાસુ સસરા તરફથી ત્રાસ આપવામાં આવતો હતો. મહિલા સળગેલી હાલમાં ઘરની બહાર નીકળતા સ્થાનિકોએ બચાવીને સારવાર માટે તેને હૉસ્પિટલમા ખસેડી હતી.
બનાવની વિગત એવી છે કે ગોંડલના ગોમટા ગામે રહેતી એક પરણિતાના રાજશ્રીબેન સતીશભાઈ મણવરને સળગાવેલી હાલતમાં સ્થાનિકોએ ૧૦૮ બોલાવી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરી હતી. હૉસ્પિટલમાં સળગેલી હાલતમાં લઈ આવવામાં આવેલી મહિલાએ સાસરિયાઓ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી ત્રાસ અપાતો હોવાનું રટણ કર્યુ હતું.
ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોમટા ગામની પરણિતા રાજશ્રીબેનનો આક્ષેપ હતો કે તેના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી છે, પતિ છેલ્લા બે મહિનાથી સાસુ સસરા સાથે રહેવા જતા રહ્યા હતા. પતિ વધારે બિમાર હોવાના કારણે તે પતિને ખબર કાઢવા માટે ગયા હતા, જ્યાં સાસુ સસરાતેને જીવતી સળગાવી હતી. જોકે, તે સમયસર ઘરની બહાર નીકળી જતા સ્થાનિકોએ તેને બચાવી અને ૧૦૮ને જાણ કરી હતી.
સળગેલી હાલતમાં મહિલાને સારવાર માટે ૧૦૮ દ્વારા રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં સિવિલ હૉસ્પિટલના બર્ન્સ વૉર્ડમાં મહિલાની સારવાર શરૂ છે. પોલીસ ઘટનાની તપાસ કરે ત્યારબાદ જ ઘટનાની વધુ વિગતો બહાર આવશે.