ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે જ સરકારની સામે પડેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને પાસના યુવા નેતા હાર્દિક પટેલ પર ગાળિયો કસાયો છે. તા.૧૧મી ડિસેમ્બરે બોપલથી નિકોલ સુધી મંજૂરી વગર રેલી યોજી જાહેરનામાનો ભંગ કરવા બદલ પાસના નેતા હાર્દિક પટેલ અને તેના સાથીદારો સુરેશ પટેલ, રાજુ પટેલ સહિત ૫૦ વ્યકિતઓ સામે શહેરના બોપલ પોલીસમથકમાં ગુનો દાખલ કરાયો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં હાર્દિક પટેલની ધરપકડ થવાની શકયતા છે. જેથી પોતાની સંભવિત ધરપકડ ટાળવા હાર્દિક દ્વારા કોર્ટમાં આગોતરા જામીનઅરજી કરાય તેવી પણ શકયતા સેવાઇ રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા તા.૧૧મી ડિસેમ્બરે બોપલથી નિકોલ સુધીની પાટીદાર સમાજની વિશાળ ક્રાંતિ રેલી કાઢવા અંગે પાસના યુવા નેતા હાર્દિક પટેલના સાથીઓ સુરેશ પટેલ અને રાજુ પટેલ તરફથી દસ્ક્રોઇ તાલુકાના મામલતદાર અશોક ઇશ્વરભાઇ પટેલ પાસે મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ મામલતદાર તરફથી રેલીની મંજૂરી અપાઇ ન હતી. તેમછતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થાય તે રીતે હાર્દિક પટેલે બોપલ ઘુમાથી નિકોલ સુધીની મહાક્રાંતિ રેલી યોજી હતી. જેને પગલે બાપુગર પોલીસ સ્ટેશનની પાછળ આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અને અસલાલીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં રામુભાઇ ધુળાભાઇ મકવાણાએ પાસના કન્વીનર હાર્દિક પટેલ સહિતના ૫૦ લોકો સામે બોપલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાર્દિક પટેલે પહેલા જ અંદેશો વ્યકત કર્યો હતો કે, ભાજપ સરકાર કિન્નાખોરી રાખી ચૂંટણી બાદ તેની વિરૂદ્ધમાં અત્યાચારની કાર્યવાહી કરશે, જે સાચો ઠરી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પૂરી થતાંની સાથે જ હાર્દિક પટેલ પર કાનૂની ગાળિયો વધુ મજબૂત રીતે કસાયો છે અને તેની શરૂઆત બોપલ પોલીસમથકમાં નોંધાયેલી આ ફરિયાદથી થઇ છે. હાર્દિક પટેલ વિરૂધ્ધ આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થાય તેવી પણ સંભાવનાઓ વ્યકત થઇ રહી છે.