ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા બે ત્રણ મહિનામાં અચાનક મોટી સંખ્યામાં ગાયના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આજે પણ રાજ્યમાં મોટી સંખ્યામાં એક સાથે ગાયના મોતનો મામલો સામે આવ્યો છે, આજે તો એક સાથે ૨૦૦ ગાયના મોતના સમાચાર અરેરાટી જેવો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે ૨૦૦થી વધુ શંકાસ્પદ હાલતમાં ગાયના મૃતદેહ જોવા મળ્યા છે. આ ઘટના બાદ પુરા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. હાલમાં ટીમ દ્વારા ગાયના મોત પાછળનું કારણ પાકમાં નાખવામાં આવતી ઝેરી દવા અથવા ઝેરી પ્રવાહી પીવાનું માનવામાં આવી રહ્યું છે. પશુ ચિકિત્સકો હાલમાં તપાસ કરી રહ્યા છે.
પશુના પોસ્ટ માર્ટમ બાદ જ ચોક્કસ હકિકત બહાર આવશે કે, કયા કારણથી આટલી મોટી સંખ્યામાં ગાયના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, હજુ હમણાં જ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના મેથાણ ગામે ઝેરી ઘસચારો ખાવાથી એક સાથે ૧૯ ગાયના મોત થયા હતા, તો અમદાવાદની બંસી પાંજરાપોળમાં પણ ઝેરી ઘાસચારો ખાતા ૪૦થી વધુ ગાયોના મોત નિપજ્યા હતા. આ ઘટનાના બે દિવસ પહેલા જ મહેસાણાના રામોસણા પાસે પણ ઝેરી ઘાસચારાના કારણે ૩૫ ગાયના મોત નિપજ્યા હતા. એટલું જ નહી આ ઘટનાઓ પહેલા પણ બોરસદનાં પાંજરાપોળમાં પણ એક સાથે ૩૮ ગાયનાં મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ધાસચારો ખાધા બાદ તમામ ગાય એક સાથે બિમાર પડી હતી. ત્યારે સારવાર દરમિયાન તમામ ગાયના મોત નીપજ્યું હતા.