સેકટર – ૭ માં લીકેજથી પાણીનો બગાડ : તંત્ર ઉદાસીન

836
gandhi22122017-3.jpg

પાણીનો બગાડ અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવે છે અને અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યાં છે. પાટનગરમાં જ વ્યય થતાં પીવાના પાણીને અટકાવવા માટે કોઇ જ આયોજન હાથ ધરવામાં નહીં આવતાં સેક્ટર-૨૭ પાસે છેલ્લા ઘણા દિવસથી પાઇપલાઇન લીકેજ હોવાના પગલે પાણીનો બગાડ થઇ રહ્યો છે. ત્યારે તંત્રની નજરે આ વ્યય થઇ રહેલું પાણી કેમ નજરે પડતું નથી તેની સામે પણ અનેક સવાલ ઉભા થયાં છે. 
જળ એ જ જીવન છે ત્યારે તેને વેડફવું પણ માનવ જીવન માટે મુશ્કેલી સર્જી શકે છે ત્યારે તંત્ર દ્વારા પણ અવાર નવાર  પાણી બચાવો અંગે અભિયાન ચલાવવામાં આવે છે અને જનજાગૃતિના કાર્યક્રમો પણ કરાતાં હોય છે. પરંતુ પાટનગરમાં જ પાણીના થઇ રહેલાં બગાડ સામે સ્થાનિક તંત્ર પણ ભેદી મૌન સેવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. 
શહેરના સેક્ટર-૨૪ ચાર રસ્તાથી આદિવાડા તરફ જવાના માર્ગ ઉપર સે-૨૭ની પાસે આવેલી પાઇપલાઇનની ચેમ્બરમાં લાઇન લીકેજ હોવાના પગલે છેલ્લા ઘણા દિવસોથી પાણીનો વ્યય થઇ રહ્યો છે અને માર્ગ ઉપર પણ ઉભરાતું પાણી વહી રહ્યું છે.
આમ મુખ્ય માર્ગની પાસે જ પાણીનું વહેણ પણ વહેતાં અવર જવર કરતાં વાહન ચલાકો તેમજ પસાર થતાં રાહદારીઓને પણ અકસ્માતના ભયે અવર જવર કરવી પડી રહી છે. ત્યારે વીસ દિવસથી આ પાણીનો વ્યય થઇ રહ્યો છે. છતાં પણ તંત્રની નજરે બગડી રહેલું પાણી નહીં દેખાતાં આસપાસના રહિશોને પણ અનેક તર્ક વિતર્ક ઉભા થયાં છે. પરંતુ હાલમાં તંત્રના ભેદીમૌનના પગલે હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે.

Previous articleભારે સસ્પેન્સ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે રૂપાણી સૌથી પ્રબળ દાવેદાર
Next articleઅમદાવાદમાં પોલીસના નાક નીચે ત્રણ દુકાનોમાં ચોરી, નાઇટ પેટ્રોલીંગના દાવા પોકળ