સ્વાઈનફ્લૂના સંભવિત રોગચાળાની સ્થિતિમાં પણ ગાંધીનગર સિવિલમાં એચવન એનવન ટેસ્ટ થતાં નહોતા. જે આખરે શરૂ થયા છે ત્યારે શહેરમાંથી વધુ બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે.
સ્વાઈનફ્લૂના પોઝિટિવ દર્દીઓ દિનપ્રતિદીન વધી રહયા છે ત્યારે આ જીવલેણ અને અતિ ચેપી રોગથી અત્યાર સુધી શહેર અને જિલ્લામાં ત્રણ મોત પણ નોંધાઈ ચુકયા છે. આ સાથે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી ૧૬ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચુકયા છે જ્યારે શહેરમાં પણ હવે કેસ પ્રકાશમાં આવવાના કારણે દર્દીઓની સંખ્યા વધીને ૧૬ સુધી પહોંચી ગઈ છે. જેમાં આજે જ પોઝિટિવ આવેલા બે દર્દીઓનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે સે-ર૮માં રહેતા ૬૮ વર્ષીય વૃધ્ધા અને સે-ર૬માં રહેતા ૪ર વર્ષીય પુરુષને ઘણા દિવસથી ગળામાં બળતરા ઉપરાંત તાવ, શરદી અને કફની તકલીફ હતી જેને લઈને તેમને ગાંધીનગર સિવિલમાં રાખવામાં આવ્યા હતા.
જે દરમ્યાન તબીબોએ આ બન્ને દર્દીઓના ટેસ્ટ કરાવતાં તે એચવનએનવન પોઝિટિવ આવ્યા હતા. જેને લઈને આ બન્ને પોઝિટિવ દર્દીઓની સારવાર વધુ સઘન કરી દેવામાં આવી હતી તો દર્દીના સંપર્કમાં આવેલા અને તેમના રહેણાંક વિસ્તારની આસપાસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી.