ગુજરાતનું પાટનગર હવે ખોફનાક બની ગયું છે. લોકો હવે દિવસ હોય કે રાત એકલા જતા ડરે છે. ત્રણ મહિના થયા પણ પોલીસ અને એસઆઈટી સીરિયલ કિલરને પકડવો તો દુર શકમંદ સુધી પણ પહોંચી શકી નથી. ઉપરાંત હવે જિલ્લામાં લૂંટના બનાવ શરૂ થઈ ગયા છે.
ગાંધીનગરના રોડ પર એકલા જતા લોકોને હથિયાર બતાવી ડરાવાના કિસ્સાઓ પણ શરૂ થઈ ગયા છે. છેલ્લા ૩ મહિનાથી સીરિયલ કિલિંગ, લૂંટના બનાવો બની રહ્યા છે, પરંતુ જિલ્લા પોલીસ વડા માત્ર એસઆઈટી બનાવી તપાસ ચાલી રહી છે તેના જ ગુણગાણ ગાઈ સરકારી સેવાઓમાં વ્યસ્ત રહે છે. જેથી સામાન્ય લોકોને પણ હવે પોલીસ ઉપર વિશ્વાસ નથી રહ્યો.
ગાંધીનગરમાં ત્રણ-ત્રણ હત્યાને લઈ બનાવાયેલી એસઆઈટીની ટીમો તપાસ કરી રહી હોવાનું ગાંધીનગર પોલીસ રટણ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે, પરતું તેમને સફળતા મળી રહી નથી.
સુત્રોના જણાવ્યાં પ્રમાણે હવે પોલીસને વાવોલમાંથી એક શંકાસ્પદ મળી આવ્યો છે અને પોલીસે જે વ્યક્તિનું એક્ટિવા છે તેની માતા અને ભાઈની પુછપરછ કરી છે, શંકાસ્પદ વ્યક્તિ ૬ માસથી ગુમ છે. ૩ દિવસ પહેલા છત્રાલ જીઆઈડીસીમાં આવેલી એક્સિસ બેંકમાં હથિયારબદ્ધ શખ્સોએ ૧૦ મિનિટમાં ૪૪ લાખની લૂંટ કરી ફરાર થયા હતા. જેમાં પોલીસને માત્ર બેંક અને બહારના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. પરંતુ અન્ય કોઈ જગ્યાના ઝ્રઝ્ર્ફ ફૂટેજ કે લૂંટમાં વપરાયેલુ બાઈક મળ્યું નથી.
આ અંગે ડીવાયએસપી વી.એન. સોલંકીએ જણાવ્યું હતું કે લૂંટ કેસમાં હજૂ સુધી કોઈ કડી મળી નથી. બાઈક કયુ હતું અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ નથી મળ્યા. હાલમાં બંદોબસ્ત ચાલી રહ્યાં છે. પરંતુ એસઓજી અને એલસીબીની ટીમો તપાસ કરી રહી છે.