એનસીપીના પ્રમુખ શરદ પવારે ચૂંટણી લડવા મુદ્દે યૂ-ટર્ન લેતા જાહેરાત કરી હતી કે તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે, તેઓ મહારાષ્ટ્રના સોલાપુરની માઢા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. જોકે તેમના ભત્રીજા અને પરિવારના અન્ય સભ્ય આ વખતે ચૂંટણી નહીં લડે. એનસીપી અધ્યક્ષે કહ્યું કે અજિત પવાર, પાર્થ પવાર અને રોહિત પવાર લોકસભાની ચૂંટણી નહીં લડે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર હાલ મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય છે. શરદ પવારે તેમના પૌત્ર રોહિત પવારની ચૂંટણી લડવાની અફવાનું પણ ખંડન કર્યું હતું. થોડા દિવસ પહેલા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મહારાષ્ટ્રની બેઠકોની સમીક્ષા કરવા માટે પવારે પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી હતી. આ દરમિયાન પવારે કહ્યું હતું કે સોલાપુરના માઢા લોકસભા ક્ષેત્રના એનસીપી સાંસદ વિજયસિંહ મોહિતે પાટિલે તેમને ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો છે. ઉલ્લેખનીય છે કે શરદ પવારે અગાઉ લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.