વડોદરા શહેર નજીક આવેલી આર.એમ.એસ. પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી ગૃપે આવનારા સમયની માંગ પ્રમાણે બલૂન દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. તો બીજા ગૃપ દ્વારા રેતીમાંથી કચરો કાઢવાનું મશીન બનાવ્યું છે. આ કોલેજના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટોને નેશનલ લેવલની કોમ્પિટીશનમાં સ્થાન મળ્યું છે.
રોશન બારીયા, જય ભાવસાર, ધ્રુવિલ રાયકુંડાલીયા અને પરમજીત ઠાકોરના ગૃપ દ્વારા હિલયમના ઉપયોગ દ્વારા આકાશમાંથી વીજળી ઉત્પન કરવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. વિદ્યાર્થી ગૃપે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જળ વિદ્યુત, કોલસા આધારિત વીજળી અને સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવાના વિકલ્પો છે, ત્યારે આવનારા સમયમાં આકાશમાંથી વીજળી ઉત્પન કરવાના દિવસો દૂર નથી. કોલેજ દ્વારા આયોજીત આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ બહાર આવે છે. અને તેઓને જીવનમાં કંઇક કરવાની પ્રેરણા મળે છે. અમારો આ પ્રોજેક્ટ નેટ અને કોલેજના પ્રોફેસરોના મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. માનવ ઝંડે, હિમાંશુ બાટા અને માનીત મહેતા દ્વારા રેતીમાંથી કચરો કાઢવાનું મશીન તૈયાર કરવામાં આવ્યું છે. વીજળી દ્વારા સંચાલિત આવનારા દિવસોની માંગ હશે. તેમ જણાવતા તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે જો આવા મોટા કદના મશીનો બનાવવામાં આવે તો દરિયા કિનાર, નદી કિનારે રેતીમાં નાંખવામાં આવતો કચરો સાફ કરવામાં આ મશીન આશિર્વાદરૂપ પુરવાર થશે.
કોલેજના ચેરમેન મનિષ શાહે જણાવ્યું હતું કે, કોલેજમાં ઇનોવિઝ ૨ કે-૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. આજથી ૩ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલ પૂર્વેશ શાહ, વી.સી.સી.આઇ.ના સેક્રેટરી હિમાંશુ પટેલ, વી.સી.સી.આઇ. કમિટીના સભ્ય જલેન્દુ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટો નિહાળ્યા હતા. વી.સી. મનિષ શાહે જણાવ્યું હતું કે, આવા પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓમાં રહેલી કલ્પના શક્તિ બહાર આવે છે. કોલેજે તેના ટૂંકા ગાળામાં પ્રગતિ કરી છે.