ગુજરાત STની હડતાલ, લાખો પ્રવાસી રઝળ્યા

1166

એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇકાલે મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં હતાં, જેના કારણે નોકરી-ધંધા કે અન્ય પ્રસંગોએ એસટી બસમાં પ્રવાસ કરતા લાખો મુસાફરો રઝળી પડ્‌યા હતા. ખાનગી વાહન સંચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઇને બમણાં ભાડાં વસૂલી તેમની પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હતી. એટલું જ નહી, એસટીની હડતાળના કારણે હજારો મુસાફરો રેલ્વે-ટ્રેન તરફ વળ્યા હતા તો, રેલ્વે સ્ટેશનો પર પણ મુસાફરોની લાંબી લાઇનો અને ભીડ જામી હતી. ટૂંકમાં, એસટી નિગમના કર્મચારીઓની હડતાળ અને એસટી વ્યવહાર ઠપ્પ થઇ જવાથી સામાન્ય જનજીવને અસર પહોંચી હતી. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો હતો. ગામડાની જનતા સૌથી વધુ હેરાન થઇ હતી. અમદાવાદ સહિત રાજયના ૧૬થી વધુ ડિવીઝનના ૪૫ હજારથી વધુ કર્મચારીઓએ આજે માસ સીએલનું એલાન આપી સામૂહિક હડતાળ પર ઉતરી ગયા હતા., જેના કારણે રાજયભરની આઠ હજારથી વધુ એસટી બસોના પૈડાં થંભી ગયા હતા અને સમગ્ર રાજયમાં એસટી વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. એસટીની આજની હડતાળના કારણે આશરે ૨૫ લાખથી વધુ મુસાફરો રઝળી પડયા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ધંધા-રોજગાર કરતા લોકો, અપડાઉનવાળા અને માસિક પાસ ધરાવતા કર્મીઓ સહિતના લાખો લોકો આજે જબરદસ્ત હાલાકીનો ભોગ બન્યા હતા. મજૂર મહાજન, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, એસટી કર્મચારી મંડળ, ઇન્ટુક અને ભારતીય મજદૂર સંઘ વતી બનેલી સંકલન સમિતિ દ્વારા આ હડતાળનું એલાન અપાયું છે. આજના આંદોલનમાં રાજ્યભરના ૪પ હજાર કર્મચારીઓ જોડાયા હોવાનો સમિતિએ દાવો કર્યો છે. અમદાવાદ શહેર-ગ્રામ્ય સહિતના રાજ્યભરના ૯ર ટકા કર્મચારીઓ આજે માસ સીએલ પર છે, જેમાં ડ્રાઇવર-કંડકટર સહિતના તમામ કર્મચારીઓ રજા પર છે. આ અંગે રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલે જણાવ્યું હતું કે મુસાફરોને થનારી હેરાનગતિ માટે અમને દુઃખ છે, પરંતુ એસટી કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું સરકારે હજુ સુધી નિરાકરણ લાવ્યું નથી.  હજુ પણ જો માંગણી પૂરી કરવામાં નહીં આવેે તો વધુ ઉગ્ર આંદોલન કરીશું.  તેમણે હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે સવારથી જ એસટી બસ સ્ટેશને મુસાફરી માટે પહોંચી ગયેલા મુસાફરોને હડતાળની જાણ થતાં મુશ્કેલીમાં મુકાયા હતા અને મજબૂરીના માર્યા તેમને અન્ય ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વિકલ્પ પસંદ કરવો પડ્‌યો હતો, પરંતુ ખાનગી બસ કે અન્ય વાહનચાલકો જાણે કે આ દિવસની મળેલી તકનો લાભ લેવા માગતા હોય તેમ વધુ મુસાફરોને વાહનમાં બેસાડવા ઉપરાંત બમણાં ભાડાં વસૂલી તેમને રીતસરની લૂંટયા હતા. તો, રેલ્વે-ટ્રેનના વિકલ્પ તરફ વળેલા મુસાફરો પણ ભારે હાલાકીનો ભોગ બન્યા હતા કારણ કે, અમદાવાદ સહિત રાજયભરના વિવિધ રેલ્વે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાંબી લાઇનો લાગી હતી, જેના કારણે રેલ્વે સ્ટેશનો પર ટોળા અને ભીડભાડના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Previous articleવડોદરાની પોલિટેકનિક કોલેજના સ્ટુડન્ટ્‌સે બલૂનમાંથી વીજળી બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો
Next articleહાલાકી વચ્ચે હડતાળ સમેટી લેવા રૂપાણીએ કરેલ અપીલ