વરણામા ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી કાર્યક્રમમાં ખેડૂતોને પ્રધાનમંત્રી મોદીની ‘મન કી બાત’ સંભળાવાના બદલે ગુજરાતના વન મંત્રીએ ખેડૂતોને પોતાની ‘મન કી બાત’ સંભળાવતા વિવાદ ઉભો થયો તો વનમંત્રીની ‘મન કી બાત’ સાંભળ્યા બાદ ખેડુતોએ ચાલતી પકડી હતી. વરણામાના ત્રિ-મંદીર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ ખેડૂતોને સંભળાવાની હતી. પરંતુ ‘મન કી બાત’ શરૂ થઈ ગઈ હોવા છતા સમયસર ખેડૂતોને સંભળાવમાં ન આવી. કાર્યક્રમમાં મોડા પહોંચેલા વનમંત્રી ગણપત વસાવાએ ખેડૂતોને પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ સંભળાવવા કરતા સ્પીચ આપી પોતાના ‘મન કી બાત’ સંભળાવી હતી. તેમજ કિસાન સન્માન નિધી યોજનાની માહિતી આપી હતી. જેના કારણે ખેડૂતોને આશ્ચર્ય થયું. મહત્વની વાત છે કે, ગણપત વસાવાએ પોતાની સ્પીચ પુરી કર્યા બાદ કાર્યક્રમમાં આવેલા ખેડૂતોને માત્ર ૮ મિનીટ પ્રધાનમંત્રી મોદીની ‘મન કી બાત’ સંભળાવી હતી. ખેડૂતોએ કહ્યું કે વન મંત્રીએ પહેલા પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ સંભળાવી જોઈએ ત્યારબાદ પોતે બોલવું જોઈતુ હતું.પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ પુરુ થયા બાદ જ કિસાન સન્માન નિધી કાર્યક્રમમાં આવેલા ખેડૂતોએ ચાલતી પકડી હતી. ખેડૂતો પ્રધાનમંત્રી યોજનાનો પ્રારંભ કરે તે માટે રાહ પણ ન જોઈ. વનમંત્રી ગણપત વસાવા, સાંસદ અને તમામ ધારાસભ્યો અને અધિકારીઓ કાર્યક્રમમાં બેઠા હોવા છતાં ખેડૂતોએ અધવચ્ચેથી પોતાના ઘરે ચાલતી પકડી હતી. જેના કારણે કાર્યક્રમમાં ખુરશીઓ ખાલીખમ થઈ હતી. જેથી કાર્યક્રમની જવાબદારી સંભાળનાર મહિલા કર્મચારીઓ ખેડૂતોને કાર્યક્રમમાં બેસવા માટે સમજાવતા નજરે પણ પડી. મહત્વની વાત છે કે જો વનમંત્રી ગણપત વસાવાએ ખેડૂતોને પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ પહેલા પોતાની ‘મન કી બાત’ ન સંભળાવી હોત તો ચોકકસથી ખેડૂતો કાર્યક્રમમાં બેસી રહેતા.
કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ખેડૂતોએ કહ્યું કે, વન મંત્રી ગણપત વસાવાએ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ ખેડૂતોને સંભળાવી જોઈતી હતી. ત્યારબાદ પોતે પ્રવચન આપવું જોઈએ. સાથે જ ખેડૂતોએ અધૂરી ‘મન કી બાત’ સાંભળતા બળાપો પણ કાઢ્યો હતો.