ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને જારી રાખવાનો આખરે નિર્ણય કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણીને રિપિટ કરવા પાછળ પણ કેટલાક કારણો રહેલા છે. તેમના દોઢ વર્ષના ટૂંકાગાળામાં રૂપાણીએ ગતિશીલ કામગીરી કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત પોતાની પ્રતિષ્ઠા બિલકુલ સ્વચ્છ રાખવામાં પણ રૂપાણી સફળ રહ્યા હતા.
કટોકટીના સંજોગોમાં પણ રૂપાણીએ પોતાનું સ્થાન સ્પષ્ટ જાળવી રાખ્યું હતું. સાથે સાથે સંગઠનની કામગીરી પણ ઉલ્લેખનીયરીતે અદા કરી હતી. આ સિવાય રાજકોટની બેઠક પરથી ૫૩૦૦૦થી પણ વધુ મતે જીત મેળવી હતી. વજુભાઈ વાળા અને નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે પરંતુ
રૂપાણીએ સૌથી મોટી જીત મેળવી છે. ગુજરાતમાં પુરની સ્થિતિ દરમિયાન પણ બચાવ અને રાહત કામગીરીમાં સતત પોતે સક્રિય રહ્યા હતા. તમામ બાબતોને ધ્યાનમાં લઇને તેમની પસંદગી કરાઈ છે.
વિજય રૂપાણી જુદા જુદા હોદ્દા પર કામ કરી ચુક્યા
વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર સત્તા સંભાળવા જઇ રહ્યા છે. વિજય રૂપાણી પોતાની કારકીર્દી દરમિયાન અનેક જુદા જુદા હોદ્દાઓ ઉપર કામ કરી ચુક્યા છે. રંગુન શહેરમાં જન્મ થયા બાદ તેમના પરિવારના સભ્યો રાજકોટ આવી ગયા હતા. બીજી ઓગસ્ટ ૧૯૫૬ના દિવસે જન્મેલા વિજય રૂપાણી ૧૯૬૦માં પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા. ત્યારથી જ રાજકોટમાં રહે છે. તમામ લોકો જાણે છે કે, વિજય રૂપાણી વિદ્યાર્થી ગાળા દરમિયાનથી જ સામાજિકરીતે સક્રિય રહ્યા છે. બીએ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે. રાજકીય સફરની વાત કરવામાં આવે તો વિજય રૂપાણીએ ૧૯૮૮થી ૧૯૯૫ના ગાળા દરમિયાન રાજકોટ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર તરીકે રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની જવાબદારી તેઓ અનેક વખત અદા કરી ચુક્યા છે. ૨૦૦૬માં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, ૨૦૦૬થી ૨૦૧૨ દરમિયાન રાજ્યસભાના સાંસદ તરીકે, ૨૦૧૩ના અંતમાં થોડાક સમય સુધી
મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે રહી ચુક્યા છે. સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેંજના ડિરેક્ટર તરીકે પણ રહી ચુક્યા છે. છેલ્લે હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટમાંથી ભવ્ય જીત મેળવી હતી.
વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા જ્યાંથી ચૂંટણી લડી હતી તે રાજકોટ સીટ ઉપર વિજય રૂપાણી લડ્યા હતા અને કેબિનેટ મંત્રી બન્યા હતા. તેમની પાસે પાણી પુરવઠા, વાહન વ્યવહાર અને શ્રમ અને રોજગારના વિભાગો હતા. તેમની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ૭મી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે રૂપાણીને મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.
રૂપાણીના ગાળા દરમિયાન સરકાર સામે શ્રેણીબદ્ધ પડકારો આવ્યા હતા જેમાં પાટીદાર અનામત આંદોલન, દલિતોના આંદોલન, આદિવાસીઓના વિરોધ, ખેડૂતોના વિરોધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લા ૨૨ વર્ષથી ભાજપનું શાસન હોવાથી સત્તાવિરોધી લહેરની સ્થિતિ હતી. આ તમામ પડકારો હોવા છતાં વિજય રૂપાણીએ ખુબ જ સફળતાપૂર્વક કામગીરીને આગળ વધારી હતી અને ગુજરાતનો વિકાસ આગળ વધાર્યો હતો.