ગાંધીનગર : કોંગ્રેસની જન સંકલ્પ રેલીને સોનિયા, રાહુલ અને પ્રિયંકા સંબોધન કરશે

698

આગામી ૨૮મી ફેબ્રુઆરીએ ગાંધીનગરના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની જન સંકલ્પ રેલી યોજાશે. આ રેલીમાં ગાંધી પરિવારના ત્રણેય સભ્યો (સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા) હાજર રહેશે. ત્રણેય નેતાઓની હાજરીને લઈને એસપીજી આજે (સોમવારે) ત્રિમંદીર નજીક મેદાનમાં પહોંચી હતી.ગાંધી પરિવારના ત્રણેય સભ્યો હાજર રહેવાના હોવાથી એસપીજીની ટીમ સભા સ્થળનું નિરીક્ષણ કરવા માટે અહીં પહોંચી હતી. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ સોમવારે અહીં આવી પહોંચ્યા હતા.જન સંકલ્પ રેલીની તૈયારીઓ અંગે અમિત ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ રેલીને સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા સંબોધશે. ત્રણેય નેતાઓ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ પણ આ રેલીને સંબોધન કરશે.

અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, આ રેલીમાં ખેડૂતોના દેવા માફી, યુવાનોને રોજગારીનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે. એટલું જ નહીં આ રેલીમાં કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. હાલ આ અંગે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીના ભાગરૂપે જ એસપીજીની ટીમ તપાસ માટે અહીં આવી છે. દેશની સ્થિત બદલવા માટે સીવીસીની બેઠક અહીં રાખવામાં આવી છે.

નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ૧૪મી ફેબ્રુઆરીના રોજ વલસાડના ધરમપુરના લાલડુંગરી ગામ ખાતેથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. રાહુલ ગાંધીએ અહીં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. રાહુલે લાલડુંગરી કહ્યુ હતુ કે, “ગુજરાતની જનતાએ મને આવકાર્યો છે, મારો આદર કર્યું છે, આથી હું પણ ગુજરાતની જનતાને દિલથી પ્રેમ કરું છું, હું ગુજરાત માટે કામ કરવા ઇચ્છું છું, તમે જ્યારે બોલાવશો હું આવીશ.”પોતાના ભાષણની શરૂઆતથી જ રાહુલે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે પહેલા શાયરી બોલી જેમાં ચોકીદાર ચોર હોવાનું કહ્યું. ત્યારબાદ રાહુલે રાફેલ ડીલને લઇને થયેલા ખુલાસાઓ અંગે વાત કરી હતી.

Previous articleરાજકોટ પોલીસનું જાહેરનામુઃ સરઘસ અને જાહેરસભા કરનાર સામે ફરિયાદ થશે
Next articleગિરનાર પર્વત ચઢી રહેલી ૨ રશિયન યુવતીઓ સાથે લૂંટનો પ્રયાસ