વિજ્ઞાનનગરીમાં આજથી બ્રેઈન જીમનો પ્રારંભ

666
bvn24122017-9.jpg

આંબાવાડીમાં આવેલ અનોખી વિજ્ઞાનનગરીમાં હવે નવું નજરાણુ તૈયાર થયું છે અને તે છે ભારતનું સૌપ્રથમ મગજની કસરત કરાવતો, જ્ઞાન-ગમ્મત આપતો બ્રેઈનજીપ રવિવારે લોકાર્પણ થશે. આપણી સંસ્કૃતિના રખેવાળ પ્રાંસલાના સ્વામી ધર્મબંધુજી (આઈપીએસ)ના હસ્તે ભારતના સૌથી મોટા અને પ્રથમ બ્રેઈનજીમને તા.ર૪ ડિસેમ્બરને રવિવારના રોજ સવારના ૧૦-૩૦ કલાકે ઉદ્દઘાટન થશે તથા આ સમયે સ્વામીજી રાષ્ટ્રીય સુરક્ષા ઉપર પોતાના વિચારો ઉપર જાહેર પ્રવચન આપશે.
તર્કશક્તિ, આભાસી વસ્તુ અભ્યાસ, એકાગ્રતા, ચપળતા, હોરીજન્ટલ થિંકીંગ, થિંકીંગ બિયોન્ડ બોકસ, ન દેખાતી વસ્તુઓને જોવાની ટેવ, ધ્યાન કેન્દ્રીત કરવાની કળા, આ મ્યુઝિયમ દ્વારા શિખવા મળશે. વિશેષમાં આવી પ્રવૃત્તિઓ દ્વારા મગજનો ઉત્તમ વિકાસ થતો રહેશે. આ મ્યુઝિયમ દ્વારા મગજની કાર્યક્ષમતામાં વધારો તથા મનને અનેક દિશામાં વિચારવાની ટેવ પડશે. અમેરિકા, કેનેડા તથા ભારતમાં આવેલા આવા નાના-નાના કેન્દ્રોની મુલાકાત તથા તજજ્ઞોની મદદથી બનેલ આ મગજ કસો અખાડા (બ્રેઈન જીમ)માં નગરજનો તથા વિદ્યાર્થીઓ સોમવારથી દરરોજ સવારે ૯ થી ૧ર તથા બપોરે ૩ થી ૭ વચ્ચે મગજમારી કરવા પ્રવેશ લઈ શકશે.
એક સમયે દરેક માનવી શ્રમમાં માનતા હતા. આધુનિકતાના કારણે લોકો હવે શ્રમ છોડીને ઓફિસ કામને સેટ કરીને ફિઝિકલ જીમમાં તબિયત સાચવતા થયા. હવે મોબાઈલ આઈપેડ, લેપટોપ, આઈફોન-સ્માર્ટફોન જેવી સોફ્ટ સ્ક્રિને આપણને આપણા મગજનો ઉપયોગ ઘટાડતા કર્યા છે. સ્ટીવ જોબ્સ જેવા આઈફોનના પ્રમોટર્સ પોતાના સંતાનોને ખૂબ જ મર્યાદામાં સોફ્ટ સ્ક્રિન વાપરવાની ટેવ પડાવે છે. સિલિકોન વેલીમાં વિશ્વના શ્રેષ્ઠ આઈ-ટી તથા તજજ્ઞોના સંતાનો વોલ્ડોર્ફ સ્કુલ ઓફ પેનિન્સુલામાં ભણતા હોય છે. જ્યાં ધો.૮ એટલે કે પ્રાથમિક શાળા સુધી સોફ્ટ સ્ક્રિન એટલે કે મોબાઈલ, આઈપેડ, ટેબલેટ, લેપટોપ, પીસી વિગેરે વાપરવા ઉપર પ્રતિબંધ છે. આવા સમયમાં આ બ્રેઈન જીમનો પ્રયોગ અદ્દભૂત અને આવકાર્ય બની રહેશે.

Previous articleદ્વિચક્રી વાહનો સામે કાયદાનો દંડો ઉગામતું તંત્ર હેવી વાહનો પ્રત્યે પ્રિતી કેમ ?
Next articleમામાકોઠા વિસ્તારમાં વહેલી સવારે યુવતીના ગળામાંથી ચેઈનની ચીલઝડપ