આવતીકાલે તા.૨૪મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં તેની ભવ્ય ઉજવણી થશે. અમદાવાદ શહેરમાં પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)દ્વારા આવતીકાલે બપોરે જૂની રૂપાલી સિનેમા પાસે સરદાર બાગ નજીક ૧૨-૩૦થી ૨-૩૦ વાગ્યા સુધી ગ્રાહકોની જાગૃતિ માટે પાંચ જયોત પ્રજ્વલિત કરી મોટી ઝુંબેશ ઉપાડાશે. આ પ્રસંગે ગ્રાહકોને અસરકારક રીતે જાગૃત થવાની અપીલ સાથે સંદેશાત્મક બેનરો, પ્લે કાર્ડ અને પોસ્ટરો સાથે પ્રદર્શન, સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાશે. આવતીકાલે ગ્રાહ્ક સુરક્ષા ધારાનો જન્મદિન હોવાથી ગ્રાહકોને મોં મીઠુ કરાવી, ગુલાબના ફુલ આપી સ્વાગતનો અનોખો કાર્યક્રમ પણ યોજાશે. આવતીકાલના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને તૈયાર કરાયેલા વિશાળ બેનરમાં રાષ્ટ્રના સવા સો કરોડ ગ્રાહકોની માંગણીઓને અસરકારક વાચા અપાશે એમ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, તા.૨૪-૧૨-૧૯૮૬ના રોજ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન લોકસભામાં ગ્રાહકોના હિતમાં ગ્રાહક સુરક્ષા ધારો પસાર કરાયો હતો. આવતીકાલે તા.૨૪મી ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા ધારાને ૩૧ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે એટલું જ નહી, ૧૯૮૯-૯૦માં ગુજરાત રાજયમાં સ્ટેટ કમીશન અને શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમોની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી લઇ અત્યારસુધીના ૨૬ વર્ષોના ગાળામાં ગ્રાહકોની જાગૃતિના અભાવે અને ફરિયાદો દાખલ કરવામાં દાખવાતી ઉદાસીનતાના કારણે રોજની સરેરાશ માત્ર એક ફરિયાદ દાખલ થઇ રહી છે. આટલા લાંબા વર્ષોના વ્હાણાં બાદ પણ ગ્રાહકોમાં ફરિયાદ કે કેસો દાખલ કરવા બાબતની જાગૃતિ કે નૈતિક ફરજ આવતી નથી, તે બાબત ઘણી ચિંતાજનક અને આઘાતજનક છે. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે બપોરે જૂની રૂપાલી સિનેમા પાસે સરદાર બાગ નજીક ૧૨-૩૦થી ૨-૩૦ વાગ્યા સુધી ગ્રાહકોની જાગૃતિ માટે પાંચ જયોત પ્રજ્વલિત કરી મોટી ઝુંબેશ ઉપાડાશે.
આ પ્રસંગે ગ્રાહકોને અસરકારક રીતે જાગૃત થવાની અપીલ સાથે સંદેશાત્મક બેનરો, પ્લે કાર્ડ અને પોસ્ટરો સાથે પ્રદર્શન, સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાશે. આવતીકાલે ગ્રાહ્ક સુરક્ષા ધારાનો જન્મદિન હોવાથી ગ્રાહકોને મોં મીઠુ કરાવી, ગુલાબના ફુલ આપી સ્વાગતનો અનોખો કાર્યક્રમ પણ યોજાશે. આ પ્રસંગે ગ્રાહકોને ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહક સુરક્ષાના સાહિત્ય, પત્રિકાઓ અને ફરિયાદ ફોર્મનું વિતરણ કરવામાં આવશે અને ગ્રાહકોની ફરિયાદો-કેસો મોટાપાયે એકત્રિત કરી તેના ઉકેલની દિશામાં મોટી ઝુંબેશ ઉપાડવામાં આવશે.