પતંગોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પૂરી થતાં અને સરકાર પણ યથાવત રહેતાં જીએસટીના કારણે ભાવવધારો સહન કરવાની નોબત ઉભી થઇ છે. પતંગોનું મોટાપાયે ઉત્પાદન ખંભાતમાં થાય છે ત્યારે કાચા મટીરિયલ અને જીએસટીના કારણે પતંગોના ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો તોળાઇ રહ્યો છે. તૈયાર માંજા દોરીમાં પણ પાંચથી દસ ટકાનો ભાવ વધશે તેવી શક્યતા પતંગોના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જેથી આ વર્ષે પતંગરસિયાઓ માટે ઉત્તરાયણ મોંઘી બનશે.
આણંદ શહેરમાં પતંગો વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓ દ્વારા વિવિધ વેરાયટીમાં પતંગોનો જથ્થો બજારમાં ઉતારી દેવાયોછે. ૧૪મી જાન્યુઆરીએ ઉજવાતા ઉત્તરાયણના પર્વ ઉપર પતંગો ચગાવવાની વર્ષો જુની પરંપરા છે. પતંગોના રસિયાઓ આ માટે પંદર દિવસ અગાઉ તૈયારી કરી લેતા હોય છે અને દોરી તેમજ પતંગોની ખરીદી કરતા હોય છે. જેને લઇને દોરી અને પતંગોનો વ્યવસાય કરતા વેપારીઓ પણ પંદર દિવસ અગાઉ જથ્થો બજારમાં ખડકી દેતા હોય છે.
આણંદના બજારમાં ખંભાતી, પ્લાસ્ટિક, ઢાલ, ચક્કી, ડીસ્કો, ચીલ, મેટલ જેવી વિવિધ વેરાયટીમાં પતંગો ઉપલબ્ધ બની છે. દોરીમાં બરેલી અને સુરતીનું વેચાણ ખૂબ થઇ રહ્યું છે. જોકે, ચાલુ વર્ષે સરકારે જીએસટી લાગુ કરતા દોરી અને પતંગોની કિંમતમાં ગતવર્ષ કરતા પાંચ ટકાનો વધારો નોંધાયો છે. પતંગો રૂપિયા ૨૨૦થી ૩૦૦ સુધીમાં ૧૦૦ નંગ ઉપલબ્ધ બને છે. જ્યારે એક હજાર વાર દોરી રૂપિયા ૧૫૦થી ૨૦૦ માં પ્રાપ્ત થાય છે.