ભાવનગર શહેરનાં કાળીયાબીડમાં આવેલી વિદ્યાધીશ સ્કૂલનાં ધો.૧૨ બોર્ડનાં ૨૧ પરિક્ષાર્થીઓને છેક બગદાણા પરીક્ષા કેન્દ્ર ફાળવાતા દેકારો બોલી ગયો છે. બગદાણા ભાવનગરથી ૯૦ કિલોમીટર દૂર આવેલું છે. ત્યારે બોર્ડના પરિક્ષાર્થીઓએ દરરોજ ત્યાં સુધી લાંબા થવાનું? તેવો પ્રશ્ન ઉદ્દભવ્યો હતો.
આ અંગે જાણવા મળ્યા મુજબ કાળીયાબીડની ખાનગી સ્કૂલ વિદ્યાધીશ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરીનાં ધો.૧૨ કોમર્સ ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતા ૨૧ વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ભાવનગરને બદલે બગદાણા લખાઈને આવતા દેકારો મચી ગયો હતો.
આવતી ૭ માર્ચે બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી વિદ્યાધીશ વિદ્યાસંકુલ શાળામાં ધોરણ-૧૨ સામાન્ય સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં ૨૧ વિદ્યાર્થીઓના બેઠક ક્રમાંક નંબર ભાવનગરની કોઈ શાળામાં આપવાને બદલે છેક ૯૦ કિલોમીટર દૂર બગદાણાની શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર થઇ ગયા હતા.
આજે ડીઇઓ કચેરીમાં શાળા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ રજૂઆત કર્યા બાદ ડીઈઓ એ.બી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબતે ગુજરાત બોર્ડમાં વાતચીત કરી હકીકતની જાણકારી આપ્યા બાદ કહી શકાશે કે, હવે બગદાણા સુધી આ ૨૧ વિદ્યાર્થીઓને જવું પડશે નહીં.
વિદ્યાધીશ વિદ્યાસંકુલ શાળાનાં ધોરણ-૧૨નાં સામાન્ય પ્રવાહનાં અંગ્રેજી માધ્યમનાં ૨૧ વિદ્યાર્થીઓનાં બેઠક ક્રમાંક છેક બગદાણા આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા સંચાલક જી.એમ. સુતરિયાને રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે અમો બોર્ડ અને ભાવનગર ડીઇઓ કચેરી ખાતે રજૂઆત કરી છે અને ડીઈઓએ આ પ્રશ્ને હકારાત્મક વલણ અપનાવી અન્યાય નહીં થાય અને ઉકેલ આવી જશે તેવી ખાત્રી આપી છે.
ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ શાળા દ્વારા ઇન્ડેક્ષ ૧૨.૧૯૯ નબરનાં બદલે ખોટો નખાતા કોમ્પુટરએ ખોટો નંબર નહિ સ્વીકારી અને ઇન્ડેક્ષ ૧૨.૧૪૪ સ્વીકારતા જે બગદાણા ખાતેનાં સેન્ટરનો હોય જેના લીધે ૨૧ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ સાથે જ અમે આ સમગ્ર બાબતે બોર્ડને જાણકારી આપ્યા બાદ બોર્ડ તરફથી પણ ખાતરી મળી છે કે, હવે આ ૨૧ વિદ્યાર્થીઓને પરીક્ષા દેવા બગદાણા નહીં જવું પડે. સ્કૂલના સંચાલકોને બોર્ડમાં આજે બોલાવ્યા છે અને હોલ ટિકિટમાં જરૂરી સુધારા વધારા કરી ક્ષતિઓ દુર કરવામાં આવશે. આથી વિદ્યાર્થી કે વાલીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર હવે રહેતી નથી.