વિંગ કમાન્ડર અભિનંદનની મુકિત બાદ કરાયેલ ઉજવણી

669

ભારતની કડક શબ્દોમાં ચેતવણી અને ચોતરફથી આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં આખરે પાકિસ્તાન દ્વારા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને આજે વિધિવત્‌ રીતે મુકત કરી ભારતીય એરફોર્સને તેનો કબ્જો સોંપી દેવાયો હતો. આજે સાંજે પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને મુકત કરાતાંની સાથે જ અને તેનો કબ્જો ભારતીય સેનાને મળતાની સાથે જ અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયભરમાં અને દેશભરમાં લોકોએ ફટકડા ફોડી, મીઠાઇ વહેંચી એકબીજાનું મોં મીઠું કરાવી તેમની મુકિતના વધામણાં કર્યા હતા. જો કે, વિંગ કમાન્ડરની મુકિત બાદ પણ તેમની ટીવી પર એક ઝલક જોવા માટે લોકો કલાકો સુધી ટીવી સામે બેસી રહ્યા હતા, જે દેશવાસીઓનો દેશપ્રેમ અને સેનાના જવાનો પ્રત્યે સૈન્યભકિતનો લગાવ પ્રદર્શિત કરતો હતો. આવતીકાલે પણ વિંગ કમાન્ડર અભિનંદનની મુકિતના માનમાં શહેરના મંદિરો અને વિવિધ સ્થળોએ ઉજવણી, ધાર્મિક અને ભારતીય સેનાને બિરદાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, બોડકદેવ-ઘાટલોડિયા દ્વારા શહેરના મેમનગર વિસ્તારમાં સર્જન ટાવર પાસે ગણપતિ મંદિર ખાતે સામૂહિક હનુમાનચાલીસા અને આતીશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનની મુકિતને લઇ અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં મંદિરો, મસ્જિદોમાં, ચર્ચ અને ગુરૂદ્વારા સહિતના ધાર્મિક સ્થાનોમાં વિશેષ પૂજા, યજ્ઞ, નમાઝ, દુઆ-બંદગી અને પ્રાર્થના યોજાયા હતા. એટલું જ નહી, અમદાવાદ સહિત રાજયની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનની સહીસલામત મુકિત માટે પ્રાર્થના કરી હતી, બાળકોએ હાથમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર સાથે દેશની ૧૩૦ કરોડની જનતા તેમના માટે પ્રાર્થના કરી રહી હોવાની હૃદયસ્પર્શી લાગણી વ્યકત કરી હતી. વિંગ કમાન્ડર અભિનંદનની મુકિતની સાથે જ અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ભારે હાશકારા સાથે ઉત્સાહ, ઉજવણી અને જોશનો માહોલ છવાઇ ગયો હતો. લોકોએ વિંગ કમાન્ડર અભિનંદનની મુકિતના સમાચાર સાંભળતાં જ રસ્તાઓ પર ઉતરી ભારત માતાની જય, વંદે માતરમ્‌, જય હિન્દ-જય હિન્દ સહિતના રાષ્ટ્રભકિતના જોરદાર સૂત્રોચ્ચાર અને દેશભકિતના નારા લગાવી વાતાવરણ ગજવી મૂકયુ હતું.

શહેર સહિત રાજયભરમાં વિંગ કમાન્ડર અભિનંદનની વીરતા, બહાદુરી અને પાકિસ્તાનના એક-૧૬ ને તોડી પાડવાના પરાક્રમને સો-સો સલામી આપતાં કાર્યક્રમો પણ યોજાયા હતા. લોકોએ ગગનમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભકિતની ભાવના ઉજાગર કરી હતી. એટલું જ નહી, વિંગ કમાન્ડર પાકિસ્તાનના કબ્જામાંથી છૂટતાંની સાથે જ તેના ઉત્સાહમાં લોકોએ ઢોલ-નગારા વગાડી, મીઠાઇ વહેંચી અને એકબીજાનું મોં મીઠું કરાવી તેની જબરદસ્ત ઉજવણી કરી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં તો, સાંજે દીપ પ્રાગટ્ય સાથે દિવાળી જેવો માહોલ સર્જી આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી કરાઇ હતી. સોશ્યલ મીડિયામાં પણ વિંગ કમાન્ડરની મુકિતની ઉજવણી કરતાં સંદેશાઓ નોંધનીય બની રહ્યા હતા.

Previous articleવલસાડઃ ભૂકંપના બે આંચકા અનુભવાયા, એકની ૩.૧ અને બીજોની ૪.૪ની તીવ્રતા
Next articleરાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના ૧ર કરોડના નવા રોડના કામ મંજુર