નરોડા નજીક આવેલા દહેગામ રોડ પરના રાયપુર ગામમાં ચાર વર્ષનો બાળક કન્સ્ટ્રક્શન સાઇડના બોરવેલમાં પડી ગયાની ઘટનાને હજી ૨૪ કલાક પણ નથી થયાને અમદાવાદમાં બોરવેલમાં બે શ્રમિક ફસાવાની ઘટના બની છે. આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું હતું.
મળથી માહિતી પ્રમાણે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ચિરાગ પાર્ક સોસાયટી નજીક બોરવેલની કામગીરી ચાલી રહી છે. જ્યાં પગ લપસી જતાં બે શ્રમિકો બોરવેલના ખાડામાં પડી ગયા હતા. જેના પગલે બંને જણા ખાડામાં જ ફસાયા હતા. ઘટનાની જાણ થતા જ તાબડતોબ ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. જેના પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા. જોકે, બે શ્રમિક પૈકી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નરોડા નજીક આવેલા દહેગામ રોડ પરના રાયપુર ગામ ખાતે ચાર વર્ષનો બાળક કન્સ્ટ્રકશન સાઇટ પર બોરવેલમાં પડી ગયો હતો. ઘટનાની જાણ ફાયરબ્રીગેડને થતાં ફાયરબ્રીગેડની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. ફાયર બ્રીગેડની ટીમે તપાસ કરતા ૪૦૦ ફુટના બોરવેલમાં ૫૦ ફુટે બાળક ફસાયુ હતુ. આધુનિક સિસ્ટમની મદદથી બાળકને જાણ કરી તેના હાથમાં ગાળો ફસાવી બાળકને ઉપર ખેંચીને લાવ્યા હતા. ફાયરબ્રીગેડની ટીમે ભારે જહેમત બાદ ૧૨ મીનીટનુ ઓપરેશન કરી બાળકને જીવતો બહાર કાઢયો હતો. જોકે બિલ્ડર પોતાની સાઇટ છોડી ભાગી ગયો હોવાનુ ફાયર બ્રીગેડના સુત્રોએ જણાવ્યું હતુ.