વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે અબુધાબીમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઈસીની બેઠકમાં આતંકવાદનો મુદ્દો જોરદારરીતે ઉઠાવ્યો હતો. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈ કોઇ ધર્મની સામે નથી પરંતુ આતંકવાદ સામે છે. વિદેશમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ભગવાન એક છે અને તમામ ધર્મનો મતલબ શાંતિ છે. ઓઆઈસીની બેઠકમાં ભાગ લેવા માટે ભારતને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓઆઈસીના મંચ પરથી તેમણે ભારપુર્વક કહ્યું હતું કે, આજે આતંકવાદની સમસ્યાથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આતંકવાદી સંગઠનોને મળી રહેલા નાણાં ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે. કોઇના પણ નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ ખુબ જ ખતરનાક છે જેના કારણે ભારત ખુબ જ પરેશાન છે.
સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારતમાં અનેક આતંકવાદી હુમલા થઇ ચુક્યા છે. આતંકવાદીઓનું દૂષણ સતત વધી રહ્યું છે. વિદેશમંત્રીએ કહ્યું હતુ ંકે, આજે આતંકવાદ અને અતિવાદ એક સ્તર પર પહોંચી ચુક્યા છે જેને રોકવામાં આવે તે ખુબ જરૂરી છે. આતંકવાદને મદદ કરનાર તથા આશરો આપનારને પણ બોધપાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આતંકવાદી સંગઠનોને ફંડિંગ રોકવામાં આવે તે પણ ખુબ જરૂરી છે. સુષ્મા સ્વરાજે એમ પણ કહ્યું હતું કે, ધર્મ શાંતિ બંને એકબીજાના પર્યાય તરીકે છે. જે રીતે ઇસ્લામનો મતલબ શાંતિ છે. અલ્લાહના ૯૯ નામોમાંથી કોઇપણ નામનો મતલબ હિંસા નથી તેવી જ રીતે ધર્મ શાંતિ માટે છે. ભારતની ગૌરવશાળી સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા સુષ્માએ કહ્યું હતું કે, ભારત માટે તમામ ધર્મના લોકોને સ્વીકારવાની બાબત ખુબ સરળ રહી છે. કારણ કે, અહીંની સંસ્કૃતિ ખુબ સરળ અને વિસ્તૃત છે. ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાનો ઉલ્લેખ કરતા સ્વરાજે કહ્યું હતું કે, ભારતમાં દરેક ધર્મ અને સંસ્કૃતિનું સન્માન કરવામાં આવે છે. આજ કારણ છે કે, ભારતના ખુબ ઓછા મુસ્લિમ લોકો ઝેરી પ્રચારનો શિકાર થયા છે. પાકિસ્તાનના તમામ પ્રયાસ છતાં સુષ્મા સ્વરાજે આ બેઠકમાં હાજરી આપીને એક પછી એક રીતે આતંકવાદના મુદ્દે મુસ્લિમ સમુદાયના લોકોને ભારતના ઉદાર વલણની વાત કરી હતી. ઓઆઈસીની બેઠકમાં સુષ્મા સ્વરાજ એ વખતે હાજરી આપવા માટે પહોંચ્યા છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિસ્ફોટક સ્તરે પહોંચ્યા છે. આ બેઠકનો પાકિસ્તાને બહિષ્કાર કર્યો છે.