અમદાવાદ નારકોટિકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ આજે એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતેથી ૧૨ કિલો ચરસના જથ્થાનું મોટું કન્સાઇનમેન્ટ ઝડપી પાડયું હતું. આટલો મોટો ચરસનો જથ્થો પકડાતાં એક તબક્કે એનસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.
બીજીબાજુ, બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ડ્રગ માફિયા અને માદક દ્રવ્યોની હેરાફેરી કરતાં તત્વોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી ગઇ હતી.
એનસીબીના અધિકારીઓએ પકડાયેલા બંને આરોપીઓ વિરૂધ્ધ એનડીપીએસ એકટની વિવિધ જોગવાઇ અને કલમો હેઠળ જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચરસના આ જથ્થાની કિંમત લાખો રૂપિયામાં થતી હોવાનું અધિકારીઓ માની રહ્યા છે, તેથી હવે એનસીબીના અધિકારીઓ ચરસનો આ જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો અને કોને ડિલીવર કરવાનો હતો તેમ જ તેની સમગ્ર ચેઇન-નેટવર્કને લઇને પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ નારકોટિકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, અરવલ્લી જિલ્લાના શામળાજી પાસેથી છત્તીસગઢ પાસીંગ ધરાવતી એક કારમાં ચરસનો મોટો જથ્થો લઇ જવાઇ રહ્યો છે, તેથી એનસીબીના અધિકારીઓએ સ્ટાફ અને કાફલા સાથે શામળાજી પાસે વોચ ગોઠવી દીધી હતી. પોલીસની મદદથી સમગ્ર એરિયા પર ચાંપતી નજર રખાઇ હતી. દરમ્યાન છત્તીસગઢ પાસીંગની સીએચ-૦૧-બીએફ-૯૪૬૬ નંબરની કાર ત્યાંથી પસાર થતાં એનસીબીના અધિકારીઓએ પોલીસની મદદથી કારને આંતરી હતી અને તેની જડતી લીધી હતી. જેમાંથી એનસીબીના અધિકારીઓને કારની ડેકીમાં પટ્ટા નીચેથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સફેદ કલરના નાના પેકમાં સીલ કરાયેલા ચરસના જથ્થાના સંખ્યાબંધ પેકીંગ એનસીબીના અધિકારીઓએ જપ્ત કર્યા હતા. એનસીબીના અધિકારીઓએ કારમાં રહેલા બે શખ્સોની પૂછપરછ કરતાં તેમનું નામ મુશ્તાક અને ઝાહીદ હોવાનું સામે આવ્યું હતું.
કારમાંથી કુલ ૧૨ કિલો જેટલો ચરસનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હવે એનસીબીના અધિકારીઓ ચરસનો આ જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો અને કોને ડિલીવર કરવાનો હતો તેમ જ તેની સમગ્ર ચેઇન-નેટવર્કને લઇને પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એનસીબીના અધિકારીઓએ બંને આરોપી વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.