સાબરકાંઠામાં શિક્ષણની કથળતી સ્થિતિ ગ્રામજનોએ બાળકોને શાળામાં મોકલવાનું જ બંધ કર્યુ

674

સાબરકાંઠા જીલ્લાની એક પ્રાથમિક શાળાના નબળા શિક્ષણને લઇને ગામના બાળકોને હવે શાળાએ જ મોકલવાના બંધ કરી નવા શિક્ષકો આપવા માટેની માંગ કરી છે. સાબરકાંઠાનુ રણછોડપુરા ગામ પ્રાંતિજ તાલુકાના અંતરીયાળ ગામડાના લોકો પરેશાન છે.

શિક્ષણના કથળવાથી હવે છેલ્લા કેટલાક સમયથી ગામમાંથી કોઇ બાળક ધોરણ ૧૦માં પાસ જ નથી થઇ શકતુ અને આ માટે પ્રાથમિક શિક્ષણને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. રણછોડપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી ચાર મહિલા શિક્ષિકાઓમાંથી ત્રણ શિક્ષિકાઓ બાળકોને અભ્યાસ કરાવતી જ નહોતી, અને જેને લઇને આખરે તંગ આવી ગયેલા ગ્રામજનોએ આખરે બાળકોના ભાવીની ચિંતા કરીને આઠ માસ અગાઉ શાળાને તાળાબંધી કરી દીધી હતી.

ત્યારબાદ ત્રણેય શિક્ષિકાઓને અન્ય શાળામા બદલી કરી દેવામાં આવી હતી, પરંતુ હવે ફરીથી બદલી થયેલ શિક્ષિકાને શાળામાં પરત હાજર કરાતા જ ગ્રામજનોએ ફરીથી વિરોધ દર્શાવીને શાળાને તાળાબંધી કર્યા બાદ આખરે હવે છેલ્લા એક સપ્તાહથી બાળકોને શાળામાં મોકલતા નથી અને આમ એક પણ બાળક શાળામાં અભ્યાસ કરવા જતુ નથી. ગ્રામજનોએ નક્કી કર્યુ છે કે જ્યાં સુધી પોતાની વાત માનવામાં નહી આવે ત્યા સુધી બાળકોને અભ્યાસ કરવા માટે શાળાએ મોકલે નહી.

વાલીઓ અને ગ્રામજનો મુજબ શાળામાં એકાદ પણ સારા શિક્ષકને મુકવામાં આવે તો શાળાના અભ્યાસને સુધારી શકાય અને તે માટે થઇને શાળામાં શિક્ષણને સુધારવા માટે થઇને તાલુકા અને જીલ્લા કક્ષા ઉપરાંત રાજ્યમાં શિક્ષણ નિયામકને પણ રજુઆતો કરી છે. તેમ છતાં પણ કોઇ જ ઉકેલ નહી આવતા હવે ગ્રામજનોએ બાળકોને શિક્ષણથી જ દુર રાખવા માટેનું મન બનાવી લીધુ છે. તો બીજી તરફ શાળાના આચાર્યએ આ પરીસ્થિતીને લઇને સ્વૈચ્છીક બદલી માટેની રજુઆત પણ શિક્ષણ વિભાગને કરી છે.

જોકે જીલ્લાના શિક્ષણાધીકારીઓ એ છેલ્લા આઠ માસ થી ગ્રામજનોને જાણે કે રજુઆતની સામે સમાધાનને નામે માત્ર ગોળ ગોળ ફેરવતા હોવાનો અહેસાસ થતા હવે ગ્રામજનો પણ વિરોધના સુરને ઉગ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે.

Previous articleશહેરમાં ગત વર્ષે સ્વાઈન ફ્‌લૂના ૭૭૭ કેસ સામે આ વર્ષે બે મહિનામાં ૧૦૦૦થી વધુ કેસ, ૨૦ મોત
Next articleશારીરિક સંબંધો નહીં ઈન્જેક્શનથી ડ્રગ્સ લેતા યુવાઓના ટેસ્ટ HIV પોઝિટિવ આવ્યા