અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનાં મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોનાં બણગાંની વચ્ચે રખડતાં ઢોર, રખડતાં કૂતરાં વગેરેની સમસ્યામાં લેશમાત્ર ઘટાડો થયો નથી. શહેરમાં ઠેર ઠેર રખડતાં ઢોરની અડફેટમાં નાગરિકો આવી રહ્યા છે, જોકે સત્તાવાળાઓ દ્વારા થયેલી ઢોર પકડવાની કામગીરી વારંવાર ટીકાપાત્ર ઠરી છે.
હાઇકોર્ટ દ્વારા તંત્ર સામે રખડતાં ઢોરના મામલે લાલ આંખ કરાતાં ગત તા.૧૭ ઓગસ્ટ, ર૦૧૭થી અમદાવાદમાં રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત તા.રર ડિસેમ્બર, ર૦૧૭ સુધીમાં કુલ ૬૭રપ ઢોર પકડાયાં છે. આમ, ખુદ ઢોર ત્રાસ અંકુશ નિવારણના સત્તાવાર આંકડા રખડતાં ઢોર પકડવાના મામલે તંત્રની નિષ્ફળતાની કબૂલાત કરે છે. ગત તા.૧૪ ડિસેમ્બરે તો મ્યુનિસિપલ સ્ટાફે ફકત નવ ઢોરને પકડવાની કામગીરી કરી હતી. આ સમગ્ર ડિસેમ્બર મહિનામાં ફકત ગઇ કાલે સૌથી વધુ ૪૯ ઢોરને પકડી લેવાયાં હતાં.
રખડતાં ઢોરને પકડવાની કામગીરીમાં પશુપાલકો દ્વારા વારંવાર અડચણ ઊભી કરાતી હોવાનું જાણકાર સૂત્રો કહે છે. ચાલુ વર્ષ ર૦૧૬-૧૭ દરમિયાન પોલીસ સ્ટાફ પર ર૦થી વધુ હુમલા થઇ ચૂક્યા છે, જેમાં ગત તા.૧૦ એપ્રિલ, ર૦૧૬એ નવા નરોડાના ગોપાલચોકમાં પશુપાલકોએ ઢોર પકડવા ગયેલા સ્ટાફ પર હુમલો કરતાં નવ પોલીસકર્મીઓને નાની-મોટી ઇજા થઇ હતી.
તંત્રના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગનાં સૂત્રો કહે છે. પૂર્વ અમદાવાદમાં નરોડા, સરદારનગર, કૃષ્ણનગર તેમજ પશ્ચિમ અમદાવાદમાં ગોતા, વાડજ, રાણીપ અને ઘાટલોડિયા વગેરે વિસ્તાર પશુપાલકોના હુમલાના કારણે સ્ટાફ માટે જોખમી બન્યા છે, જોકે હાઇકોર્ટના આદેશ બાદ રખડતાં ઢોરને પકડવા હાથ ધરાયેલા વિશેષ અભિયાન હેઠળ હવે તંત્રની ત્રણ ટીમ કાર્યરત છે. આવી પ્રત્યેક ટીમમાં એક પીઆઇ, એક પીએસઆઇ અને ૧ર પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફની સલામતી માટે તહેનાત રખાયા છે.